જાંબુર ગામ
હું આ ગામ ને વિચિત્ર તો નથી કેહતો પણ અલગ અને અનેરું માનું છું. પોતાના ઘર થી હજારો કિલોમીટર દૂર, ગીર ના જંગલ ની વચ્ચે વસે છે જાંબુર ગામ ના લોકો. તેમની બોલી છે ગુજરાતી અને ધર્મે છે મુસ્લિમ પણ, તેમની ચામડી નો રંગ અને વાંકડિયા વાળ એક અલગ જ વાર્તા રજુ કરે છે. એ લોકો છે સિદી, કે હબસી, કે બાદશાહ, અથવા તો અંગ્રેજી માં કહો તો આફ્રિકન ઇન્ડિયન.
લઘભગ બધા આ વાત થી જાણીતા જ હશે કેમકે થોડા વર્ષ પેહલા એક બાઈક ની એડ મા એનો ઉલ્લેખ થયેલો અને વર્ષો થી ગુજરાત સરકાર જાંબુર ને એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવી રહી છે. ગુજરાત ના લોકો સિદી લોકો થી અજાણ્યા નથી. લઘભગ દરેક મોટા શહેર મા કે ગામો માં સિદી બાદશાહ વસેલા છે.
(અને જાંબુર ગામ ના લોકો એક વાતે પ્રખ્યાત છે, તેમના ઢોલ અને નાચ માટે દૂર દૂર થી તેમને બોલાવવા મા આવે છે.)
મેં એક વાર્તા સાંભળેલી જે કેટલી સાચી છે એ ખબર નહિ પણ ખરેખર પ્રેરણા દાયી છે. વર્ષો પેહલા જાંબુર મા એક સિદી રહેતો હતો. શરીરે હટ્ટોક્ટો, 6 ફૂટ કરતા ઊંચો અને મજબૂત. એને સાંભળ્યું કે જૂનાગઢ ના નવાબ ની જન્મ દિવસે છે અને બધા એમને મળવા જાય છે પણ ખાલી હાથે તો કેમ જાવું. એ બિચારો ગરીબ હતો, એની પાસે તો શું હોય એક રાજા ને દેવા. એટલે એ કુહાડી લઇ ને જંગલ મા ગયો અને એક સીસમ(ક્યુ ઝાડ હતું એ યાદ નથી) ની ઝાડ તોડી,એની ડાળીઓ અલગ કરી અને ખભે નાખી ચાલવા મંડ્યો. ચાલતો ચાલતો જૂનાગઢ પહોંચ્યો અને મહેલ ની બહાર આવી ને કીધું મારે નવાબ ને મળવું છે.
નવાબ ના ચોકીદારો એ હસતા હસતા કીધું, નવાબ કઈ નવરા નથી તારી માટે. તો એ સિદી એ કીધું, હું આ સીસમ નું ઝાડ એમને ભેટ આપવા આવ્યો છું. ફરીવાર ચોકીદારો એ એની મજાક કરી કે આ તારા ઝાડ ને ભેટ તરીકે નવાબ ને ના અપાઈ. છતાં એ ત્યાં થી હટ્યો નહિ અને એ વાત નવાબ સુધી પહોંચી. નવાબે હુકમ આપ્યો કે પેલા સિદી ને બોલવો અને એનું ઝાડ પણ લેતા આવો.
એ સિદી નવાબ ના દરબાર મા પહોંચ્યો અને પાછળ 10 ચોકીદાર, હફ્તા અને પરસેવે રેબઝેબ પેલા ઝાડ ને ઉપાડી લાવ્યા. નવાબે એને કારણ પૂછ્યું તો એણે જણાવ્યું કે તમારા જન્મદિવ ની ભેટ તરીકે આ સીસમ નું થડ લાવ્યો છું. નવાબે બે ઘડી એ સિદી સામે જોયું અને પછી પેલા થડ સામે અને પૂછ્યું કે તું આ થડ કેવી રીતે અહીંયા સુધી લાવ્યો તો જવાબ મળ્યો કે ખભે નાખી ને જાંબુર થી ચાલતા આવ્યો.
નવાબ ને વિશ્વાસ ના આવ્યો અને પેલા સિદી ને સાબિત કરવા કીધું. એ સીદીએ આરામ થી પેલા થડ ને ખભે ઉપાડી લીધું. એ જોઈ નવાબે એ સિદી ને પોતાના સેન્ય મા રાખી લીધો. હવે ખબર નહિ કે આ વાર્તા કેટલી સાચી છે પણ ખરેખર જો તમે ક્યારેય કોઈ સિદી બાદશાહ ને મળ્યા હોવ તો વિશ્વાસ જરૂર થી આવે.
બે વર્ષ પેહલા જાંબુર ગામ નો એક વિડિઓ પણ વાયરલ થયેલો જેમાં નદી ના ઘોડાપુર મા સિદી યુવાનો પુલ ઉપર થી ધસમસતી નદી મા છલાંગ લગાડતા દેખેડેલા. પેહલા તો મને વિશ્વાસ નહતો આવ્યો પણ ઓરીજનલ કલીપ મા લોકો ગુજરાતી બોલતા હતા અને પાછળ હિન્દી ગીતો વાગતા હતા. આ રહી એની એક કલીપ,
આ સિદી લોકો ગુજરાત કઈ રીતે પોહ્ચ્યા એ હજી પણ એક રહસ્ય માનવા મા આવે છે. ઘણા માને છે કે વર્ષો પેહલા જયારે આફ્રિકા ના ગુલામો વેંચતા હતા ત્યારે ગુજરાત ના નવાબે એમને ખરીદેલા. ઘણા માને છે કે એક ગુલામો નું જહાજ ગુજરાત ના કિનારા પાસે ડૂબી ગયેલું અને આ લોકો અહીંયા આવી વશી ગયેલા. એક વસ્તુ તો નક્કી છે કે આ હબસી કે સિદી કે બાદશાહ લોકો ખરેખર ગુજરાતી જ છે અને ભલે દેખાવે આપડા થી અલગ છે પણ ખુબ જ સારા હોય છે.
હું કોલેજ મા ભણતો ત્યારે ઘણા સિનિયરો મને હેરાન કરતા પણ હું કઈ બોલતો નહિ. એક વાર બાજુ ની દુકાન મા નાસ્તો કરવા ગયેલો ત્યાં એક સિદી છોકરો બેઠેલો જે પોતે પણ સ્ટુડન્ટ હતો. એ દરમિયાન કેટલાક છોકરવા મારી મસ્કરી કરતા હતા. બીજા દિવસે હું કોલેજ ના ગેટ પાસે પોહ્ચ્યો ત્યારે પેલો સિદી છોકરો ત્યાં જ ઉભેલો. એ પોતાની બાઈક લઇ ને મારી બાજુ મા આવ્યો ને મને કીધું, મારુ નામ મકસુદ બાદશાહ છે, મેં કાલે જોયું કે તમને કેટલાક છોકરાવ હેરાન કરતા હતા. હવે જો કોઈ હેરાન કરે તો કેજો મકસુદ બાદશાહ મારો મિત્ર છે એટલે કોઈ બોલશે નહિ. મને એ બધાએ એ સિદી છોકરા સાથે વાત કરતા અને હાથ મિલાવતા જોયો અને એ દિવસ થી કોઈએ હેરાન ના કર્યો.