તારીખ: 06/10/22
આદરણીય રાવણ ,
કેમ છો મજામાં ને ? હાજી આપને જ આ આદરણીય સંબોધનથી સંબોધ્યા છે . ઉત્સુકતા અને આશ્ચર્ય થયું ને !?. જે દેશમાં દરવર્ષે દશેરા ઉજવી રાવણ દહન કરવામાં આવે છે તેજ દેશમાંથી આજે કોઈ એક પત્રમાં આદરણીય સંબોધન તમારા માટે આવ્યું છે!. આશ્ચર્ય તો થવાનું જ છે દોસ્ત . છતાંય વિશ્વાસ નાં આવે તો ચિત્રગુપ્તજી પાસે જઈ ખાતરી કરી લો , આમપણ તે હિસાબ સંભાળે છે તો પોથીપત્તર માં તો એક્કા જ હોવાના. આ સંબોધનથી મે તમને જ નવાજ્યા છે રાવણ .
તમે તો સદીઓ પહેલાં અહીંથી નીકળી ગયા છો , પણ આં દેશ હજી તમારી એ એક ભુલ ને પકડીને બેઠો છે !, અને દરવર્ષે દશેરા ના દિવસે બધા પોતપોતાની જાતને ઈશ્વર સમજી તમને સળગાવવા પોહચી જાય છે . છેક નાની હતી ત્યારથી મમ્મી પપ્પા ની આંગળી પકડી તારું દહન જોવા શાસ્ત્રી મેદાનમાં પોહચી જતી. પણ તેનું મહત્વ કે અર્થની કોઈ ગતાગમ ના પડતી ,મને તો બસ તારી અંદર બાંધેલ પેલા ફૂટતા જાતે જાતના ફટાકડાઓ નું જ આકર્ષણ હતું . રાત્રે સૂતા સમયે ખૂબ જીદ કરીને તારી સ્ટોરી પપ્પા પાસે સાંભળી હતી , સ્ટોરી મુતાબીક સાર એ હતો કે અંતે તો સત્યનો અસત્ય પર વિજય થયો હતો . રામ ઈશ્વરીય શક્તિ હતા ને તું દાનવ હતો . સીતાને કીડનેપ કરવાનું હળાહળ પાપ કરેલ હતું તે .
સમય જતાં જેમ જેમ મોટી થતી ગઈ તેમ ફટાકડા નું આકર્ષણ ઘટયું ને તને જાણવાનું આકર્ષણ વધ્યું . તારા પરથી તો કેહવત પણ સાંભળી છે મે " અભિમાન તો રાજા રાવણ નું પણ ના રહયું તો આપણું ક્યાંથી રેહવાનું " . તારા વિશે વધારે માહિતી એકત્ર કરતા સમજાયું કે તું રાક્ષસ કુળ માં જનમ્યો તો હતો પણ ખૂબ જ્ઞાની , પ્રખર વિદ્વાન પંડિત હતો .તું શિવનો પ્રખર ભક્ત હતો અને તે શિવને પ્રસન્ન કરવા શિવતાંડવ ની પણ રચના કરેલ હતી! . આટલા બધા ગુણ હોવા છતાં તું એક અક્ષમ્ય ભૂલ કરી બેઠો !?સીતાને તેની ઈચ્છા વગરજ પરાણે પોતાના રાજ્યમાં પકડી લાવેલ ?. પણ સીતાને તેની અનિચ્છાએ અડકવાની હિંમત તે ક્યારેય ના કરી , શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે રજસ્વલા, અકામાં , આદિ સ્ત્રીઓને સ્પર્શ કરવાનો નિષેધ છે . અર્થાત્ તારા તરફ સીતાની અકામાં વૃત્તિ ને સમજી તું તેને ક્યારેય ના અડક્યો , અને એટલેજ મે તારા નામ પાછળ આદરણીય સંબોધન લગાડ્યું છે. આટલો બધો જ્ઞાની , શાસ્ત્રો અને વેદોનો જાણકાર હોવા છતાં તારી આં એક ભૂલે તને સહુથી મોટો વિલન બનાવી દિધો . દરવર્ષે દશેરા પર્વની ઉજવણી થાય ને તારું પૂતળું બાળવામાં આવે છે .
પણ દોસ્ત એક સવાલ છે મનમાં !,તે જે પાપ કર્યું તેના કરતાં તો દશ ગણા પાપીઓ અહી પડ્યા છે તેના પૂતળાં દહનના કાર્યક્રમ તો ક્યારેય યોજાયાં જ નહીં! .ફક્ત ફાંસી જેવી સજા થી છૂટી ગયા .નિર્ભયા કેસ જોવો કે હજી હાલનો જ ગ્રીષ્માં કાંડ જુવો !,ક્યાં કોઈના પૂતળાં સળગાવાયા છે? . અને એ પેહલા કેટ કેટલા એસિડ કાંડ પણ થઈ ગયા, અને વર્ષો સુધી ન્યાય માટે એ છોકરીઓ લડી પણ છે . પણ કોઈ એકના પણ પૂતળાંઓ બાળવા માટે સમારંભ નથી યોજાયાં !, એ માન તો રાવણ તમારા એકનાજ ફાળે ગયું છે વાહ !શું સમાજ છે ?.
તારા દશ માંથાઓમાં બુધ્ધિ , ભક્તિ , ચાતુર્ય , પરાક્રમ , ધૈર્ય , પ્રખર વિદ્વાન જેવા ગુણો ભરેલ હતા .તું ચારવેદોનો વિશ્વવિખ્યાત જ્ઞાતા અને વિદ્ધાન પણ હતો. પણ તારામાં રહેલ રાક્ષસત્વ એ કેમ ભૂલી શકાય ?. પણ તોય આજ તો દરેક મનમાં રાક્ષસી વૃત્તિ વસેલી હોય છે પણ તેઓ તારી જેમ છડે ચોક દંડાતા નથી.તારા કારણે જો કોઈ ને સહન કરવું પડ્યું હોય તો તે સીતા છે . ફક્ત અને ફક્ત સીતાને જ તને દંડવાનો હકક છે બાકી બધા પેલા ખુદના અંદરના રાવણને ઓળખે તોય ઘણું.
અને ક્યાં નથી હોવાનો તું!? દરેક માણસ ના મનમાં તું યેન કેન પ્રકારે હોવાનો જ , તો એક ગુનેગાર બીજા ગુનેગાર ને સજા કેવી રીતે આપી શકે ?. કોઈ ઇન્કમટેક્સ નથી ભરતો ને મનમાં લાલચ અને દેશ સાથે ગદારી નો રાવણ ભરીને બેઠો છે , તો કોઈ કરપ્ટેડ અધિકારી છે જે દેશ અને આમ જનતા બંનેને લૂંટે છે . એ બધું તો છોડો સ્પોર્ટ્સ પણ બાકાત નહિ , એક નાની તાલુકા લેવલની યોગ સ્પર્ધા પણ બાકાત નથી રહી . ત્યાં પણ લાગવકશાહી નું જ સામ્રાજય , શું આં બધું ઈશ્વર તત્વ છે ? નાની એવી ગટરની પાઇપલાઇન નાખવાં માટે ટેન્ડર ભરાયું હોય ૧૫ લાખનું !અને ગટરોમાં પાઇપલાઇનના સાંધામાં ભરાતા માલમાં સિમેન્ટની માત્રા પાની કમ ચાય ની જેમ ફક્ત દેખાવની જ હોય છે . મોટા મોટા બ્રિજ બાંધવામાં , પુલ બાંધવામાં , દરવર્ષે સમારકામ કરવામાં આવતા રોડમાં માલની ગુણવતા કેવી હોય છે તે કોણ નથી જાણતું? હજી ચોમાસાના નામે બેક છાંટા શું આવ્યા હોય ત્યાં તો એ બેમહિના પેલા બનેલો રોડ ગાબડાંઓ થી ડચકા ખાવા માંડ્યો હોય છે . શું આં બધું રાક્ષસી વૃત્તિ નથી ? . તમારું ગજવું ભરો બાય હુક ઓર કુક ? બીજાનું તો જે થવું હોય તે થાય .
તો આ બધા રાવણો યે તને દંડવાનો હકક કોની પાસેથી મેળવેલ હશે? સીતા માટે લડવા ચાલેલ આ બધા ધુરંધર મહાનુભાવોએ ક્યારેક પોતાની આસપાસ નજર દોડાવી છે? આસપાસ એવી કેટલીય સીતાઓ હોવાની જેને સાચે તમારી થોડીક મદદ ની જરૂર હોવાની .તમારા આસપાસની સિતાઓ પર ક્યારેક હાથ પણ ઉપડ્યા હસે, અને જે તમને ખબર હોવા છતાં તમે આંખ આડા કાન કર્યા હસે , અરે બહારની તો છોડો તમારા પોતાના ઘરની પણ સીતાઓ હસે જેની પ્રોબ્લેમ ને તમે ક્યારેય ગણકારી પણ નહિ હોય . મી ટુ ચળવળ અંતગર્ત સેલિબ્રિટી પોતાના સેક્સુએલ હેરસમેન્ટ ને સમાજ સમક્ષ લાવી જે તે રાવણ ને સજાઓ અપાવતી જોવા મળી છે , પણ શું તમારા ઘરની સીતાઓ ને ક્યારેય ન્યાય મળ્યા છે કે નહિ ? તે ચેક કર્યું તમે? સોશીયલ મીડીયા પર પોસ્ટમાં બધા સાધુઓ જ છે , સંત છે , મહાત્માઓ છે , દુનિયાભરનું જ્ઞાન પોસ્ટ માં મુકવા વાળા તમે મહાનુભાવો ક્યારેય મન પર હાથ મૂકીને તમારા અંદર વસેલા રાવણ સાથે સંવાદ કર્યો છે ? સમાજને લાગે છે કે ચાર દીવાલોમાં , ભવનોમાં બધા સંતો જ વસે છે રાવણ તો ફક્ત દશેરાના દિવસે જ હોય છે . આમ પણ રાવણ તારા વિરુધ્ધ તો સીતા એકલાજ લડ્યા હતા . રામ તો ફક્ત તારા દેહને હરાવી શક્યા, પણ સીતાએ તારા મનને હરાવેલ હતું , તેની પ્રખર ના યે તું ક્યારેય તેને અડકવાની હિંમત ના કરી શક્યો , કદાચ એ તારી પોતાની સારાઈ પણ હોવાની બાકી ના નો અર્થ તો બેડરૂમમાં ઘણા પતીઓ ને પણ નહિ સમજાતો હોય . જે હોય તે પણ રાવણ ,મને રામ સાથે પણ ફરિયાદ છે, એકલા તો એ પણ રહેલા તો અગ્નિપરીક્ષા એકલી સીતાની જ કેમ ? તું જેમ સીતાની પાછળ લટ્ટુ હતો તેમ સૂર્પણખા પણ રામ પાછડ ઓળઘોળ હતી તોય તેના પર કોઈ પણ જાતનું લાંછન નહિ !? વાહ શું સમાજ છે!?.અને જેના માટે સીતા લડી તેણે જ એક ધોબી ના વેણ સાંભળી સીતાને ત્યજી દીધા . કોણે એ હકક આપેલ તેને?
રાવણ વર્ષોથી આં બધા પ્રશ્નો ,વિચારો મને દર દશેરા પર ,અરે એ પછી પણ સતાવે છે . મનની અંદર આટલા બધા રાવણ લઈને ફરતા આં સમાજને તને દહન કરવાનો કોઈ હકક નથી , અરે એ તો છોડો પણ આં સમાજ આં તેહવાર ઉજવવા પાછળ નો સાચો મર્મ પણ સમજ્યો નથી . આપણા ઋષમુનિઓએ આં પરંપરા એક સોચ સાથે જ આપી હતી , રાવણ દહન કરવા પાછડ નું કારણ એટલું જ કે તમારા મનના રાવણનું દહન કરો . રાવણના પૂતળાનું દહન અર્થાત્ એક સોચનું દહન , રાવણ એક સોચ છે જે આપણા સહુમાં યેનકેન રીતે હોવાનો જ , અને તે સોચનું દહન કરવું . પણ આપણે તો વર્ષોથી અહીંથી સિધાવી ગયેલ પેલા લંકાપતિ ની પાછળ પાછળ પડી ગયા છીએ . રાવણ બીજા કોઈ ની તો ખબર નથી પણ હું દરેક દશેરા માં કોઈ ખરાબ સોચ નું જ દહન કરું છું ,મારા મતે અને મારા માટે તો એજ સાચું રાવણદહન હોવાનું ,
અર્થાત્ રાવણ નામનો કોઈ એક વ્યક્તિ જે મહા પંડિત , મહા વિદ્વાન બ્રાહ્મણ , પરાક્રમી રાજા , વેદોનો સારો જ્ઞાતા હતો , તેને નથી દંડવાનો પણ એ બધા ગુણો ની ઉપર સવાર થઈ ગયેલ તેની એક રાક્ષસી સોચનું દહન કરવાનું છે , રાક્ષસ એટલે કોઈ બે શિંગડા ચાર હાથ નહિ હોવાના તેના ! મારા તમારા જેવો માણસ જ હોવાનો તે પણ . તો થોડી માણસાઈ આપણી અંદર પણ જગાવીને આં સોચનું દહન કરીયે પૂતળાંઓ નું નહિ . સારું ત્યારે હવે વિરમું?રાવણ તને ફરી ક્યારેક એકાદ પત્ર દ્વારા મળીશ .
લી.તારી મિત્ર.