Advertisement



સપનું Sapnu | Yogesh Shukl



સપનું

સપનું સાત અશવો ના રથમાં અસવાર થઈ
નીકળેલા નવા નકકોર રાજકુમારના ધૂળની ડમરી વચ્ચે
ફસાયેલા માર્ગને પ્રશસ્ત કરતુ સમર્થ સૂર્યનું પ્રથમ કિરણ.
સપનું, દુર્ગંધથી ખદબદતા ઉકરડાની વચ્ચેથી પ્લાસ્ટિક
વીણતાં ગરીબ બાળકોની બે ટાઇમની રોટીનું
અંતિમ સત્ય.
સપનું, પિંજરમાંથી છૂટેલા પક્ષીનું ઉડતું આકાશ
સપનું ચકલીના બચ્ચાનો માળો, ખુલ્લા મેદાનમાં
ઘાસ ચરતું હરણનું, બચ્ચું, સપનું. બીલલોરી
કાચ જેવા પાણીમાં તરતી માછલીઓની દોટમદોટ
સપનું અડાબીડ જંગલમાં રસ્તો કરી
ખળખળ વહેતા ઝરણમાંથી ફૂટતા લય, ને
સંગીતમાંથી શિવકુમાર શર્મા એ સંતુર પર
છેડેલો રાગ, સપનું ડાળખી પરથી ખરીને
વહેતા પાણીની સાથે વહેતું પર્ણનું ભાગ્ય.
સપનું કોઈ શોડશી એ નહાઈને દર્પણમાં
જોયેલું પોતાનું પ્રથમ સૌંદર્ય,
સપનું, શિખા ન બાંધી ને નંદ વંશનો
નાશ કરવાની પંડિત વિષ્ણુ શર્માની
અક્કડ પ્રતિજ્ઞા,
સપનું ચંદ્રગુપ્તની અદમ્ય સાહસી તલવાર.
સપનું સ્ટીફન હોકીન્સની વહીલચેરમાંથી
તાકેલા ટેલીસકોપમમાંથી જોવાતું. બ્રહ્માંડનું
સત્ય,
સપનું અર્ધ જાગ્રત આદમીએ ગાઢ નિંદ્રામાં જોયેલું
બેસુમાર કરચલી પડી ગયેલ જીવનની ઇસ્ત્રીટાઈટ
જીજીવિષાઓનું સફેદ થ્રી પીસ શૂટ.
સપનું , મેટ્રો સિટીના પોશ એરિયામાં ઉભેલા જિગોલોના
કિંમતી જીન્સના પોકેટમાં રહેલું વોલેટ,
સપનું સર્વાઈકલ સ્પોનડીલાઇટીસ, ને માયોફેશ્યલ
દર્દની સાથે કણસતા, કણસતા જીવાઈ જતી
રાતનું પડી ગયેલ સવાર.
સપનું આકાશ, ધરતી, પ્રણય, પ્રકૃતિ, લય, તાલ,
સૂર, કલ્પન, સઘળું છૂટી ગયા પછી, બાકી
બચેલા શબ્દોની પાટાપિંડી કરી
ધ્રૂજતા હાથે લખાયેલ કવિતાનો સાદ.
સપનું, મંદિરના ઘંટારવ, ઢોલ, ત્રાંસા, નગારા ના
નાદની અવગણના કરી પ્રયાણ કરી નીકળી ગયેલ
ને શિખર પર પહોંચતા પહોંચતા, પાતળી થઈ ગયેલી
હવાને ફેફસામાં ફૂંકતા જતા આદમીની શંખીયત.
યોગેશ શુક્લ 'યોશુ'
(કાવ્ય સંગ્રહ 'પાણી ઉર્ફે' માંથી સાભાર)