ચ્યમ્ બોયો? (કેમ બોલ્યો?)
બડબોલા રાજાના રાજમા બધા ગુંગા હતા. બધા મૌન હતા.. રાષ્ટવાદીઓ તો આંખે પાટા પણ લગાવ્યા હતા.. જો મૌન રહી માવા મળતા હોય તો બોલવાની શી જરુર? જોવાની શુ જરૂર? કેટલાકને તો સૂંધવા માટેનું નાક પણ નિરર્થક લાગતું હતું..
આવા સંજોગોમાં હું તોતડું તોતડું બોલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આ જોઈને એકે ઈશારાથી સમજાવ્યુ. 'બોલવું આપણી સંસ્કૃતિ નથી.. તુ આપણી સંસ્કૃતિની વિરુદ્ધ ન જઈ શકે.. ઘણાં વરસો અમે મૌન રહી, આ સંસ્કૃતિનું જતન કર્યુ છે.. અમે આ રીતે એને નષ્ટ નહિ થવા દઈએ..'
કોઈએ ઇશારાથી સમજાવ્યું.. કોઈએ દંડો બતાવ્યો.., કોઈએ દંડાની બીક.., કોઈએ તો કારાવાસનું ચિત્ર પણ બતાવ્યુ..
પણ... હું તોતડાતી જીભે બોલ્યો.. મૂંગા બનીને રહી ગયેલા લોકોએ મારી સામે આંખો ફાડીને જોયું..
એક સંત્રી ઝડપથી મારી પાસે આવ્યો.. મારી ફેંટ પકડી. અને ગુસ્સાથી તોતડાતા સ્વરે બોલ્યો.
'ચ્યમ બોયો?' (કેમ બોલ્યો?)
ત્યાંથી પસાર થયેલા મંત્રીનો આ જોઈને પારો ચઢી ગયો... સંત્રીનું બોલવું. બગાવતના એલાન સમું હતું. એટલે એણે સંત્રીને ધમકાવતા તોતડા સ્વરે કહ્યુ.
'એ તો બોયો બોયો પન્ તૂં ચમ બોયો?' (એ તો બોલ્યો બોલ્યો પણ તુ કેમ બોલ્યો?)
એ જ સમયે આ મહિનાનો સરપાવ લેવા આવેલો તંત્રી આ બધુ જોતો હતો.. તંત્રી, સંપાદક, ચેનલહેડની ગણતરી એક સારા મૂંગાલોકમા થતી હતી.. આ પરિસ્થિતિ જોઈને એ હરખાયો.. પોતાના સંયમ ઉપર એને ગૌરવ થયું..
તંત્રીએ તોતડાતા સ્વરે કહ્યુ...
આપણે તો બોયા નંઈ ને ચાયા ય નંઈ(આપણે તો બોલ્યા પણ નહિ ને ચાલ્યા પણ નહિ)
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા