ઓનલાઇન રિઝલ્ટ જોઈને હરખાયેલો,
ત્રણ વર્ષ સુધી બહુ બધી,
સપ્લીમેન્ટરીઓ ભરીને,
પરીક્ષકોને સાંત્વના આપનાર અને,
માર્કસ આપવા મજબૂર કરનાર,
એનરોલમેન્ટની અને બેરોજગારીની,
સૂચિ લાંબી કરનાર,
મા બાપની નજરે ભણે છે,
અને ભણીગણીને મોટો ઓફિસર બનશેે,
એવી આશા બંધાવનાર,
નેતાઓનાં ભાષણનું પ્રિય પાત્ર,
પસ્તી કે રદ્દી જેવી છાપ ધરાવનાર,
આંદોલન ને સત્યાગ્રહનો પ્રથમ આગેવાન,
મજૂર ના હોવાં છતાં જીહજૂર,
પાણી પીવડાવવાની નોકરી માટે,
લાંબી લચક લાઈનોમાં તરસ્યો ઉભો રહેનાર,
સરકારનાં જમાઈ બનવાનાં અભરખાં રાખનાર,
ને દરવખત પરીક્ષા સમયે,
કૌભાંડોની માયાજાળમાં ભદ્દી મજાક બનનાર,
જુદા જુદા વિષયોમાં પારંગત,
ભૂલોક થી પરલોક સુધીનું ભણનાર,
ક્યારેક ડોનેશન કે ક્યારેક મસમોટી ફી ભરી,
સપનાંઓ સેવનાર,
કંપનીઓ, શાળાઓ ને સંસ્થાઓમાં,
શોષણનો શિકાર થનાર,
પાંચ વર્ષનો એક જ થેલો લટકાવીને,
ફુલ ડીશને અવગણીને ચણા મમરાં ખાનાર,
ક્યારેક પરબિડિયેથી, ક્યારેક ઈન્ટરનેટથી,
આશા અમર રાખી અરજી કરનાર,
પુસ્તકો, સામયિકો, સ્ટેશનરીનાં જોરે,
કાલે પાર પડશે એવી આશે,
પી. જી, હોસ્ટેલ ને ભાડાંના રૂમોમાં,
કટકી કરીને પૈસાં ભરનાર,
દુરદરાજ ગામડાંનો કે ભરચક શહેરની,
ભીડભાડવાળી ગલીનો,
સમાજમાં પંકાયેલો,
નોકરીની આશમાં છોકરી શોધનારો,
ગરીબ કે અદ્દલ ગરીબ જેવો,
યુનિવર્સિટી માન્ય લેમિનેટેડ સર્ટિફિકેટે,
કેલિગ્રાફિક લખાણે જગજાહેર કરાયેલો,
સમયનો માર ખાનાર,
હું એક સ્નાતક છું !
© વિશાલ દંતાણી
#unemploymentinindia
#unemployment
#lockdown2021
#coronavirusindia
#pandemic
#Graduates