Advertisement



ગુજરાતની એવી કલાઓ કે જે હવે વીસરાઈ જવામાં છે અને માત્ર એકાદ પરિવાર ચલાવે છે !!! Traditional Rogan Art

 



" If you don't know your history, then you don't know anything. You are a leaf that doesn't know if it is part of a tree."

માઈકલ ક્રિક્ટોન નું આ વાક્ય બહુ સરળતાથી બહુ ઊંડો ઈશારો કરે છે. વારસો એટલે સામાન્ય શબ્દોમાં એવું કહી શકાય કે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ, અને જો એ વારસા વિશે જ આપણે નથી જાણતા તો પછી આપણો ભવ્ય ભૂતકાળ બ્લેન્ક છે એવું કહી શકાય. આ વારસો પ્રાકૃતિક પણ હોય છે અને સાંસ્કૃતિક પણ હોય છે. આ ભવ્ય વારસામાં આપણી આસપાસ રહેલા પ્રાકૃતિક સ્થળો, પહાડો, નદીઓ, વૃક્ષો, પશુ- પક્ષીઓ, ઇમારતો, અદ્ભુત આર્કિટેક્ચર ધરાવતા સ્થાપત્યો, કિલ્લાઓ , પૂતળાઓ, ઇતિહાસ, રીતિ- રિવાજ, ક્રાફ્ટ્સ, સંગીત, રમત-ગમત વગેરે વસ્તુઓ સમાવિષ્ટ હોય છે. આપણો વારસો એ નક્કી કરે છે કે "what we are, what we value, why we are the way we are." આથી જ વારસા વિશે માહિતી કે જ્ઞાન હોવું એ અતિ મહત્વનું ગણાય છે. આથી, યુનેસ્કો દ્વારા આ વારસા ના જતન, સંરક્ષણ અને પ્રચાર માટે ૧૮ એપ્રિલ ને ' વર્લ્ડ હેરિટેજ દિન' તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે આપણે વાત કરીશું ગુજરાતની એવી કલાઓની કે જે હવે વીસરાઈ જવામાં છે અને માત્ર એકાદ પરિવાર જ તેનું રક્ષણ અને સંવર્ધન કરી રહ્યો છે. 


પોશિનાની માટીકલા 

ગુજરાતની ઉત્તરે રાજસ્થાન બોર્ડર પર સાબરકાંઠા જીલ્લામાં પોશિના વિસ્તાર આવેલો છે. આ વિસ્તાર મુખ્યત્વે આદિવાસીઓનો વિસ્તાર છે, જ્યાંની માટીકામકલા ખૂબ પ્રચલિત છે. એવું કહેવાય છે કે આદિવાસીઓ જે પણ કાર્ય કરે છે તે ખૂબ સાહજિક રીતે કરે છે. કલા એ એમના માટે સૌંદર્યનિર્માણનું સાધન નથી, જીવનનો એક ભાગ છે. અહીં મોટેભાગે માટીના ઘોડા બનાવવામાં આવે છે, જે જુદા જુદા પ્રકારની માનતાઓ પૂરી કરવામાં વપરાય છે. ગુજરાતમાં ચૌધરી, ગામિત, ઢોડિયા, ભીલ, ભીલ ગરાસિયા અને રાઠવા આદિવાસીઓ પોતાના દેવને માટીના બનાવેલ હાથી, વાઘ, ગાય, બળદ, પુરુષ, સ્ત્રી વગેરે ચડાવે છે. ભીલ ગરાસિયા આદિવાસીઓ પોતાના દેવને માટીના ઘોડાઓ ચડાવે છે. આ ઘોડાઓને જીવતા ઘોડા જેટલું જ મહત્વ અપાય છે. ચાકળા પર માટીથી પહેલા ઘોડાના અંગો તૈયાર થાય છે. માટીને અનેકોવાર ગૂંદીને તડકે મૂકવામાં આવે છે અને ત્યારબાદ તેનું સતત ધ્યાન રાખવું પડે છે. જો માટી સૂકાઈ જાય તો કામની નહીં. એના યોગ્ય સમયે જ એને ઉપયોગમાં લઈને આ ઘોડા બનાવાય છે. એવું કહેવાય છે કે વિસ્તારની દ્રષ્ટિએ ચીન પાસે ટેરાકોટા આર્મી છે પણ અહીં ઉત્પાદિત થતાં માટીના સાધનોની સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વમાં સૌથી મોટી ટેરાકોટા આર્મી ગણાય છે. પહેલા આ વ્યવસાય સાથે ૧૫૦ પરિવારો જોડાયેલા હતા , પરંતુ હાલમાં માત્ર ૩ લોકો જ આ કામ કરે છે. 

માટીના અસંખ્ય ઘોડા 


રોગન આર્ટ 

કહેવાય છે કે હસ્તકળાઓમાં ભાવનાઓ જોડાયેલી હોય છે, જે કલાને ખૂબ નિખાર આપે છે. કદાચ એનો જ પ્રતાપ હશે કે આ કલાના સ્થાન અનેક બદલાયા, એને સાચવનારા લોકો અનેક બદલાયા પણ આ કલા આજે ૪૦૦ વર્ષે પણ અકબંધ છે અને દેશ- વિદેશમાં એની નામના છે. રોગન આર્ટનું મૂળ એ પર્શિયા ગણાય છે. ત્યારબાદ એ થોડા વર્ષો અફઘાનિસ્તાન, સિંધ પ્રદેશ થઈને કચ્છ અને ભુજ સુધી આવી છે. ભુજના નિરોણા ગામમાં રહેલા અબ્દુલ ગફુર ખત્રી અને તેમનો ૧૦ લોકોનો પરિવાર એ આજે વિશ્વમાં આ કલાનું એકમાત્ર સ્થાન છે. 
અતિ બારીક અને ધીરજની પરાકાષ્ઠાવાળું કામ 

કાપડ સજાવવાની શરૂઆત 



આવી ડિઝાઈનો તૈયાર કરતાં દિવસો લાગે છે 

રોગન કલા માટે જીવન સમર્પિત કરનાર: પદ્મશ્રી અબ્દુલ ગફુર ખત્રી 


રોગન આર્ટ પાછળ રહેલી સૌથી મહત્વની વસ્તુ કેસ્ટર ઓઇલ છે જેને લગભગ છ થી સાત કલાક માટે ગરમ કરવામાં આવે છે. ત્યારપછી જુદા જુદા પ્રકારના કલર શોધવામાં આવે છે જે મોટેભાગે    
પ્રાકૃતિક રીતે મેળવવામાં આવે છે. સફેદ કલર માટીમાંથી, કાળો કલર ચારકોલમાંથી, બ્રાઉન કલર પત્થરમાંથી, પીળા અને કેસરી કલરના પિગ્મેંટ્સ મંગાવવામાં આવે છે. હવે આ કલરને સૌપ્રથમ પત્થર પર પાણી સાથે ઘસવામાં આવે છે જેથી તે વધુ સોફ્ટ બને. ત્યારબાદ આ કલરમાં કેસ્ટર ઓઇલ કે જે ગરમ કરવામાં આવ્યું હતું તે ભેળવવામાં આવે છે જેને રોગન કહે છે. આ મિશ્રણને ત્યારબાદ કલમ વડે કાપડ પર ડિઝાઇન બનાવવામાં આવે છે. કલરને સૌપ્રથમ હથેળીમાં થોડો લઈ ઘસવામાં આવે છે, શરીરની ગરમીથી તે વધુ સોફ્ટ બને છે અને ત્યારબાદ આ સ્ટીલથી બનેલી કલમ વડે તેને કાપડ પર ઉતારવામાં આવે છે. મહત્વની વાત એ છે કે હથેળી પર ઘસ્યા સિવાય આ કલર કોઈ બીજી રીતે સોફ્ટ થતો નથી. બીજી મહત્વની વસ્તુ એ છે કે કાપડ પર ડિઝાઇન બનાવતા પહેલા તેની પ્રિન્ટ લેવામાં આવતી નથી. કાપડ પર બનતી તમામ ડિઝાઈનો ફ્રી-હેન્ડ હોય છે. કારીગરને જે મનમાં વિઝ્યુલાઇજેશન થાય એ પ્રમાણે ડિઝાઇન બને છે. કોઈ ડિઝાઇન બનતા બે દિવસ લાગે છે તો કોઈ ડિઝાઇન બનતા બે મહિના પણ લાગે છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ઓબામાને આ રોગન આર્ટનો નમૂનો ગિફ્ટ કર્યો હતો જે બનાવતા અઢી મહિના લાગ્યા હતા. આ સિવાય સ્ટારબક્સ જેવા વિશ્વપ્રસિદ્ધ કોફી આઉટલેટમાં પણ ઘણી જગ્યાએ રોગન આર્ટના અતિ સુંદર નમૂનાઓ લગાડવામાં આવ્યા છે. દેશ વિદેશના પ્રવાસીઓ માટે આ કલા એક નજરાણું છે.