Advertisement



AAKHRI SALAM | ફાધર વર્ગીસ પોલ ને પ્રેમાંજલિ ..આખરી સલામ ! | MANISHI JANI | WORDSOF SAMARPAN




 ફાધર વર્ગીસ પોલ ને પ્રેમાંજલિ ..આખરી સલામ !

ગુજરાતી લેખક મંડળ ના અધ્યક્ષ એટલે ફાધર વર્ગીસ પોલ.સદાય હસતું, પ્રેમાળ વ્યક્તિત્વ. છેલ્લાં બાવીસેક વર્ષથી મંડળની શુક્રવારી સભાઓમાં નિયમિત હાજરી.માત્ર હાજરી નહીં, સક્રિય ભાગીદારી. મંડળમાં તમામ કામો સૌની ભાગીદારી થી કરવાનો આદર્શ છે. મંડળ ના અમારા અધ્યક્ષ ફાધર બધાં માટે ચા પણ મૂકે, સૌને આપે અને વાસણ પણ સાફ કરી નાંખે..! એમની આ સહજતા એ મંડળના સૌ કોઈ ને સૌ કોઈ કામ કરતાં કરી દીધાં !જાણે કે મંડળની આંતરિક લોકશાહી ઘૂંટાતી રહી...

મંડળ પાસે શરુઆત માં ટાંચા સાધનો.ગુજરાત માં દૂરસુદૂર આવેલી શૈક્ષણિક સંસ્થાઓ માં લેખન કૌશલ શિબિરો કરવા જવાનું થાય.ફાધર પોતાની જીપ તો લે જ,જાતે જ ચલાવે અને એટલી જ સ્ફૂર્તિ થી વિદ્યાર્થીઓ સાથે એકાકાર થઈ જાય..!મને યાદ છે એકવાર જસદણ પાસે ના આટકોટ ની શાળા-કોલેજ માં શિબિર હતી.ડિસેમ્બર મહિના ની છેલ્લી તારીખો માં.નાતાલ ના દિવસો.મને એમ કે ફાધર નહીં આવે.ફાધર કહે 'કામ કરવું એ જ નાતાલ !'
અને પહેલી જાન્યુઆરી ની વહેલી સવારે મેં જાગીને જોયું તો ફાધર એક ખૂણામાં બેસીને રોજની જેમ જ લેખન કાર્ય કરી રહ્યા હતા.

ફાધરે 50 થી વધુ પુસ્તકો લખ્યાં છે.મોટાભાગના પુસ્તકો યુવાનો માટે.યુવાનો માં ફાધર નાં પુસ્તકો ખૂબ વંચાય છે.
સૌથી નોંધપાત્ર વાત એ છે કે ફાધરની માતૃભાષા મલયાલમ.પણ કર્મભૂમિ ગુજરાત.ગુજરાતી ભાષામાં જ આજીવન લખ્યું. અને ગુજરાત ની પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થાઓએ તેમનાં પુસ્તકો પ્રગટ કર્યાં છે.
ખાસ કરીને ગુજરાતી લેખક મંડળ ને એમણે ઘણું બધું આપ્યું છે.મંડળ લેખકોના હક,હિત, ગૌરવ માટે છેલ્લાં સત્યાવીસ વર્ષથી કાર્યરત છે,એ હજીયે કામ કરી રહ્યું છે તેમાં ફાધર ની ભૂમિકા મહત્વની છે.લેખક મંડળ પાસે પોતાની કોઈ કાયમી જગ્યા નથી.એકવાર એકાએક પ્રશ્ન ઊભો થતો કે હવે મંડળ ક્યાં કામ કરશે ? આપણે ત્યાં ઘણી સાહિત્યિક સંસ્થાઓ છે, તેમનાં મોટા મકાનો છે,પણ રખે ને કોઈ પચાવી પાડશે એવી મધ્યમવર્ગીય માલિકપણાની ભયગ્રસ્ત માનસિકતા થી પીડાઈ ને કોઈ ના માટે દરવાજા ખોલે નહીં..!
ફાધરે તાત્કાલિક તો પ્રશાંત માં આવેલી પોતાની ખાલી ઓફિસ આપી દીધી..ને તે પછી જુની હાઈકોર્ટ પાસે આવેલી પોતાની ચાલુ ઓફિસમાં જ બધી વ્યવસ્થાઓ ઉભી કરી દીધી..અને મંડળ ટકી ગયું... નિયમિત કામ કરતું રહ્યું..કરી રહ્યું છે...

ફાધર મંડળના દરેક કાર્યમાં ડગલે ને પગલે યાદ આવશે..
ફાધર, તમે કસમયે વિદાય લીધી.. છેલ્લા સવા વર્ષથી વડોદરા હોસ્પિટલમાં હતા.. ફોન પર અવારનવાર વાત થતી પણ કોરોના કાળમાં રૂબરૂ નહીં મળાયું..!

તમારું પ્રેમભર્યું સ્મિત મંડળને સદાય ધબકતું રાખશે..
અલવિદા ફાધર વર્ગીસ પોલ !

ગુજરાતી લેખક મંડળ વતી સો સો સલામ..!
- મનીષી જાની