સોળમા ચોમાસાનું ગીત
ન અડધી ન પડધી ન આડી ન અવળી હું ભીંજાણી સઈ માથાબોળ
મને વરસેલી વાદળીમાં ખોળ
ઉપરથી પાણીનું પડવું વધારે
મારી અંદર વધારે છે ભડકો ઝળઝળિયું અંગે મેં પાડે ચકામાં
એ પહેલાં કોઈ પહેરાવો તડકો તડકો થઈ થડકો જ્યાં નસ નસમાં સરક્યો ત્યાં લાગણીનો ઊક્યો વંટોળ
મને વરસેલી વાદળીમાં ખોળ
વરસાદી વાયરામાં લીધા જયાં શ્વાસ
ત્યાં તો વીસરાઈ વાત બધી પાછલી પાણીમાં ઓળઘોળ થઈ ગઈ છું એમ
જાણે હોઉં હું દરિયાની માછલી પંદરની ઉંમર તો વીતી ગઈ હમણાં
આ પલળ્યાની ઉંમર છે સોળ મને વરસેલી વાદળીમાં ખોળ