લગ્નોત્સુક કન્યાનું ગીત
મને સપનામાં સંભળાતો ઢોલ
સત્તરમા વરસે થાય દિવસો આ ટૂંકા ને રાત મને લાંબી લાગે છે સખી, બોલ
સમજણની પાંખો ફૂટી છે આ મનને
બેઉ આંખોમાં શમણાંનાં શહેર
ગજવામાં પાંચીકાં-છીપલાં નથી
જાણે શૈશવ સંગાથે થયું વેર
.. ખાય કોણ હવે કચૂકા... સત્તરમા વરસે થાય દિવસો આ ટૂંકા...
ઘરની બહાર હજુ નીકળી ના નીકળી
ત્યાં યાદ આવે ઓલું ને પેલું
અંતરમાં ઊછરતી ઇચ્છાને બોલો
હું કેમ કરી પાછીયે ઠેલું
રસ્તાઓ છે વાંકાચૂકા...
સત્તરમાં વરસે થાય દિવસો આ ટૂંકા...
આંખની અટારીએ બેસીને કોઈ
ઓલી પા ઝીણું ઝીણુંયે મરકે
ઝીલવા જો જાઉં છું એ પડછાયાને
તો આઘો ને આઘો એ સરકે
ન સમજાણું થાય આવું કાં...
સત્તરમા વરસે થાય દિવસો આ ટૂંકા..