12 માર્ચેસરકારી દાંડીકૂચ કાઢવામાં આવી. જેમાં નહતી નમક ની ચમક કે નહતી એમાં 'ગાંધી' ની હાજરી..
અસલ નમક સત્યાગ્રહ માટેની 1930 માં 78 સત્યાગ્રહીઓ સાથેની ગાંધીજી ની કૂચને વિદાય આપવા હજારો લોકો ઉમટી પડ્યા હતા અને આશરે બે થી અઢી હજાર લોકો ઠેઠ અસલાલી સુધી તેમની સાથે સાથે ચાલ્યા હતા.. ચંડોળા તળાવ પાસે આ બધાંને પાછા ફરવા વિનંતી કરી.. ત્યાં સભાને સંબોધતા ગાંધીજીએ જે કહ્યું તેનો કેટલોક અંશ અહીં મૂકું છું :
" આપણામાં ભેદભાવ ન જ હોવો જોઈએ. હિંદુ, મુસલમાન,અંત્યજ અને ખ્રિસ્તી બધાંય માટે આ પ્રવૃત્તિ છે.બધાયે સાથે એક સરખા એક બીજાની સેવા માટે રહે એ આપણી ભાવના છે.આપણે બધાયે એક ઝાડ નાં પાંદડાં અથવા ડાળ-ડાળીઓ જેવાં છીએ.બધાયે એક છીએ.જુદા છીએ એમ કહેવું તે પ્રપંચ છે.સ્વરાજ કોઈ એકલા હિંદુ નથી લેવાના કે એકલા મુસલમાન નથી લેવાના.એ તો બધાને માટે છે.સત્યાગ્રહીથી બીજું કલ્પી જ ન શકાય..."
( દાંડીકૂચ સમયગાળામાં 12 માર્ચથી લઈ ગાંધીજી જે કંઈ ભાષણોમાં બોલ્યા તેના કેટલાક અંશો આગામી 6 એપ્રિલ સુધી અહીં મૂકવાનો પ્રયત્ન રહેશે )
દાંડીકૂચ અને ગાંધીજી -2
અંગ્રેજ સરકારને કેટલાક સલાહકારોએ સલાહ આપી હતી કે 'દાંડીકૂચ પૂર્વે જ ગાંધીજી ની ધરપકડ કરી તેમને વધારે મહત્વ આપવાની જરૂર નથી..આ 'ડોસા' માં લાગલગાટ 24 દિવસ ને 241માઈલ ચાલવાની તાકાત ક્યાંથી હોવાની ? કૂચનો ફિયાસ્કો થવાનો જ છે..!'
ગાંધીજી ના શુભેચ્છકો માં ય શંકા હતી કે આ ઉંમરે આટલું લાંબુ ચલાશે ?
એટલે એક શુભેચ્છક ચીનુભાઈએ કૂચની સાથે એક ઘોડો ય રખેવાળ સાથે મોકલ્યો કે રસ્તામાં ગાંધીજી થાકી જાય તો ઘોડા પર બેસીને જઈ શકે..પણ હાથમાં 54 ઈંચની લાકડી સાથે ગાંધીજી એવી ઝડપથી ચાલતા હતા કે ઘોડો તો ક્યાંય પાછળ રહી જતો..! છેવટે નવાગામ થી ઘોડાને અમદાવાદ પરત મોકલી દેવાયો...
નવાગામ માં લોકોને સંબોધતા ગાંધીજીએ કહ્યું હતું : " મીઠાંવેરા નો અર્થ તમે સમજ્યા હશો. ત્યાં કંઈ હુું એકલો મીઠું પકવવાનો નથી. હું એકલો મીઠું પકવું અને તેથી સ્વરાજ્ય મળે તો તેનો જશ મને એકલાને મળે, પણ હું તો તમને બધાને મહાત્મા બનાવવા માગું છું.તમે બધા એ લડતને માટે ખડા થઈ જજો.તમે જાણો છો કે, મારામાં તો કશી તાકાત નથી.એક છોકરો આવીને મને થાપડ મારે તો હું ત્રણ ગુલાંટ ખાઇ જાઉં એટલો નબળો છું.પણ મેં સરકારનો ભય વિસાર્યો છે.ભય એ 'મંછા ભૂત ને શંકા ડાકણ' જેવી વસ્તુ છે. મેં તો સરકારની પટાકડી નો ભય વિસાર્યો છે અને એના દારૂગોળાને તો હું મારા પગની ધૂળ સમજું છું, એટલે હું પકડાઉં તે પછી તમે બધાં તૈયાર થઈ જજો અને મીઠું બનાવવા આવજો...."
દાંડીકૂચ અને ગાંધીજી -3
દાંડીકૂચ દરમિયાન કેટલાક કડક નિયમો નું સૌએ પાલન કરવાનું રહેતું.જે ગામમાં સભા હોય ત્યાં બધાંજ ગ્રામવાસીઓએ કોઈ ભેદભાવ વિના સાથે બેસવાનું.સૌ સત્યાગ્રહીઓ માટે સાદું ભોજન. મિષ્ટાન્ન નહીં જ.સવારે કૂચ શરૂ થાય એ પહેલાં રાબ, બપોરે જમવામાં ભાખરી, ખીચડી,દૂધ - છાશ, બાફેલું શાક અને સાંજે પણ એ જ ભોજન.
નવાગામ થી માતર જવાના રસ્તે વાસણા મુકામે કૂચનો રાતવાસો હતો.ગામની બહાર આમ્રકૂન્જ માં ગાંધીજી માટે ઝૂંપડી બનાવવામાં આવી હતી .આ ગામમાં યોજાયેલી સભામાં ગાંધીજીએ આપેલા ભાષણના સંકલિત અંશો :
"તમે વાસણા નિવાસીઓ એ અમારું સુંદર સ્વાગત કર્યું છે. કાંઈ પણ ઉણપ નથી.ગામની બહાર ઝાડોની નીચે તમે માંડવો બનાવ્યો છે અને મારે સારું નાની સરખી ઝૂંપડી બનાવી છે તે મને અત્યંત પ્રિય લાગે છે.મારી 'નવજીવન'માંની દરેક માગણી પ્રમાણે જ તમે મને સત્કાર્યો છે.પણ તમારા ગામમાં આવતા પહેલાં મને એક વહેમ આવેલો અને તે જાહેર કરું ત્યારે જ મારો સત્યાગ્રહ શોભે...+++
...મારી સાથે એક અંત્યજ કુટુંબ છે.અંત્યજને દૂર રાખવા જ જો મને ગામ બહાર મુકામ આપવામાં આવ્યો હોય તો હું ઇચ્છું છું કે, મને ગામની શાળામાં જ ઉતારો આપવો હતો. જ્યાં જઈએ ત્યાં કાંઈ શીખવું એ તો અમારો ઈરાદો છે.અમે વિદ્યાર્થીઓ છીએ એટલે જાણવાના જિજ્ઞાસુ છીએ. ખરાં પુસ્તકો તો જગત છે,ઝાડો, કુદરત છે. ખરાં પુસ્તકો તમે ભાઈ બહેનો છો. હું તમારી આંખો માંથી વાંચી જાઉં તે જ ખરાં પુસ્તક.અને અભ્યાસ-કાગળ નાં પુસ્તકો તો કદાચ એમાં અંતરાય રૂપ થાય.કેટલાએ મહાન પુરુષો વાંચી નહોતા જાણતા, પણ સુંદર વિચારી જાણતા હતા....+++
... આપણે અંત્યજોની સેવા કરીએ.સ્વરાજ્ય કંઈ મીઠાંવેરાનો કર ગયે જ થોડું મળશે ? સ્વરાજ્ય મેળવવા સારું તો અંત્યજ તરફ કરેલ જુલમો માટે આપણે પશ્ચાત્તાપ કરવો પડશે, પ્રાયશ્ચિત કરવું પડશે. હિંદુ-મુસલમાન-પારસી અને અન્ય કોમો એ એકસંપ થવું જોઈશે..."
દાંડીકૂચ અને ગાંધીજી - 4
ઘણાં વર્ષો પૂર્વ માતર ગામમાં મને એક વડીલ મળ્યા હતા.નામ અત્યારે તાત્કાલિક યાદ નથી આવતું. દાંડીકૂચ વખતે તેમની ઉંમર 13-14વર્ષની.માતર માંથી સત્યાગ્રહીઓ પસાર થયા અને ગાંધીજી ની સભા થઈ એનું ઝીણવટભર્યું વર્ણન તેમણે મને કહી બતાવ્યું હતું.ખૂબ ઉત્સાહપૂર્વક એમણે જે પહેલી વાત કરી એ રસપ્રદ છે.ધૂળિયા રસ્તે ગાંધીજી માતર માં સત્યાગ્રહીઓ સાથે આવી રહ્યા હતા ત્યાં રસ્તામાં જ એકાએક ઊભા રહી ગયા.એટલે બધાય ઊભા રહી ગયા.. ગાંધીજી એ નીચે નમી હાથથી ખાડો ખોદ્યો.પછી વધારે ઝૂકી તેમાં થુંક્યા અને પછી તરત જ ધૂળ થી પાછો એ ખાડો પૂરી દીધો..ને ઝડપથી પાછા ચાલવા માંડ્યા...
દાયકાઓ પૂર્વે ની કિશોરાવસ્થામાં ઝડપાયેલી સ્મૃતિછબી વ્યક્તિ ના જીવનમાં કેવી મહત્વની બની રહેતી હોય છે..એવો વિચાર આ ક્ષણે ઝબકી જાય એ સ્વાભાવિક છે.
નડિયાદ અને આણંદની સભાઓમાં ગાંધીજીએ વિશેષ કરીને યુવાનો- વિદ્યાથીઓને વિદેશી કપડાં ના બહિષ્કારની,સ્થાનિક વણાટની ખાદી પહેરવાની અને સત્યાગ્રહમાં જોડાઇ જવાની અપીલ કરી હતી:
" નડિયાદ તો ગોવર્ધનરામનું, મણિભાઈ નભુભાઈ નું.એ નડિયાદનાં સ્ત્રી-પુરુષો- વિદ્યાર્થીઓ ને વિદ્યાર્થિનીઓ શું કરશે ? આજે તમારે જવાબ આપવાનો સમય આવ્યો છે તે ટાળી ન જ શકો.સ્વાતંત્ર્યયુદ્ધ માં જોડાઈ જાઓ-સૈનિક બની જાઓ.અને સૂચના મળતાં મીઠાં માટેના યુદ્ધ માટે નીકળી પડો.." +++
બોરિયાવી માં તેમણે કહ્યું કે: "પૈસા આપીને સ્વરાજ ન લેવાય.જો એમ જ લેવાતું હોય તો હું વાણિયો છું ને ? ક્યારનો સોદો કરી આવ્યો હોત ! ગાંધી એકલો જેલમાં જશે, એથી સ્વરાજ્ય નહિ આવે.તમારે મહેનત કરવાની છે.." +++
અને આણંદ ની સભામાં તેમણે કહ્યું: "અત્યારે વિદ્યાર્થીને ભણતર કે વેપારીને વેપાર એવો કોઈ ધંધો ન શોભે. હિંદમાં વ્યાપક સવિનયભંગ કરવો હોય તો જોડાઈ જાવ....+++જો આખું હિન્દુસ્તાન ધણધણી ઊઠે તો,એક લાખના પંજા માં થી ત્રીસ કરોડને નીકળતાં કેટલી વાર ? ત્રિરાશી તમે જ માંડજો.આપણને જકડી રાખનાર સિત્તેર હજાર નું લશ્કર છે.એ લશ્કરને પ્રતાપે તમે નાચી રહ્યા છો.એ નટ નચાવે તેમ મારે અને તમારે નાચવાનું છે.એથી તમે હજી ન થાક્યા હો તો મારો આ અહીંનો ફેરો અફળ છે. હમણાં તો લડત પૂરી થતાં સુધી તમારો અભ્યાસ સંકેલો..."
દાંડીકૂચ અને ગાંધીજી - 5
ગાંધીજી વિશે ઘણી રુઢ થયેલી માન્યતાઓ પ્રવર્તે છે.
એક તો ગાંધીજી એટલે શિસ્ત અને સાદગી ના અત્યંત જડ આગ્રહી,ખાદીમય ને ભજન -પ્રાર્થનામય, ગંભીર નિરસ પ્રકૃતિ, બકરીનું દૂધ પીનારા ને ચીકાશ કરનારા એવાં કે લોકોમાં 'ગાંધીવેડા ના કર'એવો રૂઢિપ્રયોગ પણ થતો આપણા કાને પડે છે..બીજી માન્યતા એટલે ગાંધીજી એટલે ગાંધીજી !મહામાનવ-સુપરમેન, દૈવી શક્તિવાળા, મંદિરમાં પૂજવાલાયક મહાત્મા !
આ બન્ને પ્રકારની માન્યતાઓ ની બાદબાકી કરી,જે તે સમયના સંદર્ભમાં ગાંધીજી ના વિચારો જાણવાથી જ ગાંધી વ્યક્તિત્વ-પ્રતિભા પામી શકાય એવું લાગે છે.
દાંડીકૂચ દરમિયાન આણંદ ખાતેની સભામાં પંડિત નારાયણ ખરે એ કવિ પ્રીતમ નું ભજન ગાયું અને પછી આ ભજન ને સાંકળી ને જ ગાંધીજી એ પોતાનું ભાષણ શરૂ કર્યું :
"તમે હમણાં જ પંડિતજીના ભજનમાં સાંભળ્યું કે,પ્રેમપંથ પાવકની જ્વાળા છે.સત્યાગ્રહીનો પંથ પ્રેમપંથ છે.એ વેરભાવનો પંથ નથી. સખતમાં સખત હ્રદયના દુશ્મનને પણ પ્રેમથી જીતી લેવો એ સત્યાગ્રહીની મહત્વાકાંક્ષા હોય.કાયદાનો સવિનય ભંગ કરવો, તેની પાછળ કેવળ પ્રેમ જ નીતરી રહ્યો છે એનું દર્શન કેવી રીતે કરાવી શકાય ? પ્રીતમને આવો સાક્ષાત અનુભવ થયો હશે, તેથી જ આ ભજન હ્રદયમાંથી નીકળી પડ્યું.વેરભાવને અગ્નિની જ્વાળાની ઉપમા હોય.પ્રેમને એ કેમ હોઈ શકે ? વેરભાવ બીજાને બાળે છે;પ્રેમ પોતાને બાળે છે ને બીજાને શુદ્ધ કરે છે. જ્યારે પ્રેમ આવું ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે ભલે તે કોઈને જ્વાળારૂપ લાગે,પણ આટલું ખચિત જાણજો કે, પાછળથી તેની શીતળતા ઓળખાયા વિના નથી રહેતી..."
દાંડીકૂચ અને ગાંધીજી - 6
એ વાત ને હવે સો વર્ષ થવાનાં છે.1922ના માર્ચ મહિનામાં ગાંધીજી પર દેશદ્રોહ નો કેસ ચાલ્યો હતો ને તેમને 6 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.'યંગ ઈન્ડિયા' સામયિક માં છપાયેલા લેખો પર ઈન્ડિયન પીનલ કોડ ની કલમ 124-A હેઠળ અમદાવાદમાં શાહીબાગ ખાતે આવેલા સર્કિટ હાઉસ માં કેસ ચાલ્યો હતો. ગાંધીજીએ રાષ્ટ્રદ્રોહ ની આ 124-A કલમને નાગરિકો ના સ્વાતંત્ર્ય ને દબાવનારી અને તેની રાજકીય જોગવાઈ ના સંદર્ભે ઈન્ડિયન પીનલ કોડ ના રાજકુંવર તરીકે ઓળખાવી હતી..
દાંડીકૂચ દરમિયાન બોરસદ ના રસ્તે નાપા ગામની સભામાં આ કેસ નો ઉલ્લેખ કરીને ભાષણમાં તેમણે કહ્યું હતું :
" ...આ રાજ્યમાં રાજદ્રોહ કરવો એ તો મારો ધર્મ છે.જે રાજ્યમાં ગેરઇન્સાફ થાય,જેની અંદર આવશ્યક વસ્તુ મીઠાં પર,ગરીબ કે તવંગર પાસેથી સરખો કર લેવામાં આવે, જેમાં લશ્કર માટે લખલૂટ ધન ખર્ચાઈ જતું હોય,જેનો સૂબો પાંચ હજાર લોકોની આવક જેટલો પગાર પચાવી જાય,અફીણ અને શરાબ માં 25 કરોડ ખર્ચાતા હોય,અને 60 કરોડના પરદેશી કાપડની દેશમાં ભરતી થતી હોય, એવાં રાજ્ય સામે રાજદ્રોહ કરવો એ મારી ફરજ છે. એ રાજ્ય ભલે બળો,મારે એ રાજ્ય નથી જોઈતું.એ રાજ્યનો નાશ કરવો એ મારો ધર્મ છે.એવા ગુના માટે મને પહેલાં એક વાર પકડેલો.પણ મારા અને સરકારના કમનસીબે મને રોગ થયો અને છ વર્ષ પૂરાં ન થયાં..+++ .. હવે તો વાદળ ચઢી આવ્યું છે. સામૈયું આવી પહોંચ્યું છે. એમાં સૌને જોડાવાનું છે.મને પકડે ને ત્રણ મહિના ની જેલ આપશે તો જગત પણ વિચારશે અને હસશે.જે રાજદ્રોહીને કાળાંપાણીએ મોકલી શકાય તેને ત્રણ મહિના ની સજા આપે તેનો અર્થ શું ?..."
(અમદાવાદમાં જ્યારે ગાંધીજી પર રાષ્ટ્રદ્રોહ નો કેસ ચાલ્યો ત્યારે ત્યાં હાજર રહેલા કલાગુરુ રવિશંકર રાવળે આખીય ઘટનાનું રેખાંકન કર્યું હતું અને ત્યારબાદ જે પેઇન્ટિંગ બનાવ્યું તે અહીં મૂક્યું છે.આ ચિત્ર અત્યારે અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા સરદાર સ્મારક માં મૂકાયેલું છે..
અને હજીય 1860 માં અંગ્રેજ સરકારે બનાવેલી રાષ્ટ્રદ્રોહ ની કલમ 124-A અમલમાં છે.આપણે ઈચ્છીએ કે ગાંધીજી પર લગાવેલી આ કલમ 2022 પહેલાં નાબૂદ થાય, તેનાં 101વર્ષ આપણને જોવા ન મળે ! )
દાંડીકૂચ અને ગાંધીજી -7
બોરસદ તો એનાં 1924ના હૈડિયાવેરા* સામેનાં સત્યાગ્રહ થી જાણીતું હતું જ. અહીં દાંડીકૂચ વખતે લોકોમાં ભારે ઉત્સાહ હતો.વળી અફવાએ પણ જોશ પકડ્યું હતું કે બોરસદ થી ગાંધીજી ની ગિરફ્તદારી થશે. અગાઉ થી નક્કી થયા મુજબ જો ગાંધીજી ની ધરપકડ થાય તો દાંડીકૂચ ની આગેવાની અબ્બાસ તૈયબજી સાહેબે કરવાની.તેઓ પણ બોરસદ આવી પહોંચ્યા હતા. અહીં ધરપકડ તો ના થઈ પણ ગાંધીજીને મકાનમાં ઉતારો આપવાના ગુના માટે હાઈસ્કૂલ ની ગ્રાન્ટ રદ કરવાનું સરકારે જાહેર કર્યું .શાળાના હિંમતવાન સંચાલકોએ એ જ દિવસે મીટીંગ કરી હાઈસ્કૂલ ને રાષ્ટ્રીય શાળા જાહેર કરી દીધી.સરકારી ગ્રાન્ટ પાછી આપી દેવાનો ઠરાવ પણ કરી દીધો !
ગાંધીજીએ અહીંની વિશાળ સભા ને સંબોધન કરતા કહ્યું : "..આ હાઈસ્કૂલમાં અમને ઉતારો આપ્યો છે તેથી તેમનો ઉપકાર. હું તો સ્કૂલ ખાલી કરાવવા આવ્યો છું. હું ઈચ્છું છું કે,પંદર વર્ષથી ઉપરના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો લડાઈમાં જોડાઈ જાય.જગતના જુદા જુદા દેશના વિપ્લવ સમયે, દરેક દેશમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો ફાળો મોટો છે.જાપાન કે ચીન, ઈજિપ્ત કે ઈરાન, ઈટલી કે તુર્કીનો ઈતિહાસ જોતાં તે જણાશે. યુરોપમાં 1914 માં 4થી ઓગસ્ટે લડાઈ જાહેર થઈ અને 6 ઠ્ઠીએ હું વિલાયત પહોંચ્યો.ત્યારે જોયું કે બધાયે કોલેજ છોડેલી ને યુદ્ધમાં જોડાયેલા. આપણું તો યુદ્ધ શાંતિ નું છે.આપણા હથિયાર સત્ય અને અહિંસા છે. નાનું બાળક પણ એ શસ્ત્ર લઈ શકે અને આત્મશુદ્ધિ સાથે દેશનું કામ કરી શકે. તેથી તમે આજે ભણતર દૂર મૂકી યુદ્ધમાં જોડાઈ જાઓ.જ્યારે ગુલામીમાંથી છૂટવા માટે અંતિમ યુદ્ધ થઈ રહ્યું હોય, ત્યારે ભણવા બેસવું એ રાષ્ટ્રદ્રોહ છે.આ વખતે ગણિત વગેરેને શું કરવાનાં છે,ઘર બળે છે ત્યારે ? હિંદુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી બધા જ સાથે જોડાવાના છે.કારણ મીઠું તો હિંદુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી બધાને જોઇએ છે.સરકાર તો કોઈને છોડે એમ નથી.મુસલમાનો માટે મીઠાંવેરો માફ કરશે, ત્યારે આપણે જોઈશું અને ધર્મ બદલવાનો વિચાર કરશું ! સરકાર પાસે જઈ સાષ્ટાંગ નમસ્કાર કરી કહીશું કે અમે ધર્મ બદલીએ છીએ, માટે આ જુલમી વેરા કાઢી નાંખો..."(સભા માં હસાહસ)
( * બોરસદ પંથકમાં બહારવટિયાઓ નો ત્રાસ હતો.આ બહારવટિયાઓને પકડવા વધારાની પોલીસ સરકારે મૂકી અને તેના ખર્ચ પેટે લોકો પર ખાસવેરો નાંખવા માં આવ્યો તે)
દાંડીકૂચ અને ગાંધીજી - 8
રાત્રે આઠ વાગ્યે દાંડીયાત્રા કંકાપુરા પહોંચી.વીસહજાર લોકો ની જંગી સભા ને સંબોધતા ગાંધીજીએ કહ્યું :"આ મેં ધર્મયુદ્ધ આરંભ્યું છે અને પગપાળા મુસાફરી કરી રહ્યો છું તેનું કારણ ઊંડું છે.આ તો ધર્મયાત્રા છે - મારા જીવનની છેલ્લી યાત્રા છે.માણસ યાત્રા એ નીકળે ત્યારે વાહન ન વાપરે એ પરંપરાથી ચાલતી આવેલી રીત છે. યાત્રા માં કષ્ટ સહ્યું હોય, લોકોનાં સુખદુઃખ જોયાં હોય ત્યારે જ તે સાચી યાત્રા કહેવાય.અને આનો લાભ વિમાન,મોટર કે ગાડામાં બેસી યાત્રા કરનાર ન જ લઈ શકે...+++.. હિંદુસ્તાનમાં 30 કરોડ નાં દુખ જોવાં અસહ્ય થઈ પડ્યાં છે.આ રાજતંત્ર નો નાશ કરે જ છૂટકો...."
આ કંકાપુરા એટલે બોરસદ તાલુકાનું છેલ્લું ગામ. અહીંથી મહી નદી ઓળંગી સામે કાંઠે ભરૂચ જિલ્લામાં પ્રવેશવાનું હતું.ખંભાતના અખાત પાસે આવેલી આ મહી નદી તેનાં મોટા પટ ને કારણે મહીસાગર જ બની રહે છે.રાત્રે ભરતીનાં પાણી ચઢે ત્યારે જ હોડીમાં બેસી નદી પાર કરી શકાય. અહીં તો રાત્રે ગાંધીજીને વિદાય આપવા આવેલા લોકોનો મેળો જામ્યો હતો. ક્યાંક રાસગરબાની રમઝટ ચાલતી હતી તો ક્યાંક ભજન મંડળીઓ નાં ભજન.માઈક ને ઈલેક્ટ્રીસીટી વગર ચાંદનીના પ્રકાશમાં એ વાતાવરણ કેવું લાગતું હશે એ તો કલ્પના જ કરવી રહી.
રાત્રે બાર વાગ્યે નાવડીમાં બેસી ગાંધીજી એ મહી નદી પાર કરી. નાવડીમાંથી ઉતર્યા પછી ય ઢીંચણ સમાણા કાંપ ને કાદવ બે-ત્રણ માઈલ ખૂંદીને કિનારે પહોંચવાનું હતું.કેટલાક સાથીઓએ ગાંધીજી ને ઉંચકીને લઈ જવાની વાત કરી.. ગાંધીજીએ એ વાત ન સ્વીકારતાં કહ્યું કે 'યાત્રા તો પગે ચાલીને જ કરાય...'
મધરાતે ટુકડી સાથે કિનારે પહોંચી ને ઝૂંપડીમાં સૂઈ ગયા..
સરદાર પટેલ ને તો જ્યારે દાંડીકૂચ નું આયોજન ચાલી રહ્યું હતું ત્યારે જ અંગ્રેજ સરકારે પકડી ને જેલમાં નાખી દીધા હતા.તેમની હાજરી વિના જ અમદાવાદમાં કોંગ્રેસ ની મહાસમિતિની બેઠક મળી હતી .એ સમિતિ નો અહેવાલ આપવા ને બે દિવસ બાદ જંબુસર માં મળનારી કારોબારી સમિતી ના મુદ્દા ચર્ચવા યુવાન જવાહરલાલ નહેરુ મારતી મોટરે કંકાપુરા પહોંચ્યા.પણ મોડા પડ્યા. ગાંધીજી તો નાવડીમાં નીકળી ગયા હતા. જવાહરલાલ ને બીજી નાવમાં બેસાડી સામે કિનારે લઈ જવાયા.એ પણ ગોઠણ સમાણા કાંપ-કાદવ માં ચાલી ગાંધીજી ની ઝૂંપડી એ પરોઢે ચાર વાગ્યે પહોંચ્યા. ગાંધીજી ઊઠ્યા ને પ્યાલો ખખડાવી ને સાથીઓને ઉઠાડ્યા. જવાહરલાલ સાથે ચર્ચાઓ માંડી..
ચર્ચા પૂરી કરી તરત જ જવાહરલાલ પરત જવા નીકળી ગયા.. ગાંધીજી ની દાંડીયાત્રા કારેલી ગામે પહોંચી...
મનીષી જાની