બાળલગ્ન થયેલ નાયિકાનું યુવાનીના દિવસોનું ગીત
એ દુનિયાનું સપનું લઈ જીવવાનું ક્યાં લગ જે દુનિયા મારે મન અદીઠી
મારી લાગણીને રોકે છે પીઠી
હું ઉંબરની વ્હાર જરા પગલું મેલું
તો લાગે પગલામાં કંકુનો ભાર પણ આંખોમાં આંસુનો ભાર
હોય શમણાંની સેજ હજી આંખોમાં કાયમ
દરપણને જોઉં તો જોઉં હું કેમ
મારી જાતને મેં સહિયારી દીઠી
મારી લાગણીને રોકે છે પીઠી
કૂંપળ ફૂટ્યાની વાત છાની કેમ રે'શે
રોજ પાંગરતું મારામાં ઝાડ
હાથમાંય નામ કોઈ ચીતરવું કેમ
હાથમાંય મેંદીની વાડ
અણસમજે બંધાયેલ સગપણને ભૂલું
કે ભુલાવું યાદ કોઈ મીઠી
મારી લાગણીને રોકે છે પીઠી