વરસાદી ગીત
પીટ્યો વરસાદી છાંટો
ખળખળતી કડીમાં પગલાં મેં માંડ્યાં
ત્યાં પાનીમાં લાગી ગ્યો કાંટો
ઉપરથી પડતો તો એવો રે પડતો
કે શોધ્યો જડે ન મારી આંખે
ઊડવાનું જોર સખી કેટલું કરું રે
આખું ભીનું આકાશ મારી પાંખે
ટળવળતી ઇચ્છાઓ ટળવળતી રહી ગઈ
એમ હૃદિયામાં વસ્યો સન્નાટો
પીટ્યો વરસાદી છાંટો
ઉપરઉપરથી હું ભીની થઈ ગઈ છું
પણ અંદરથી સાવ હજુ કોરી
પર્વતથી નીકળેલી જાણે નદી કોઈ
સમંદરથી હોય હજુ ઓરી
મૂંઝવતો મારગ આ જાવું કઈ કોર મારે
રસ્તામાં પડ્યો છે ફાંટો
પીટ્યો વરસાદી છાંટો