સૂનકારનું ગીત
એકલતા લીંપી છે ભીંતે
ઓસરીમાં પાડેલી ઓકળિયું પૂછે છે
પગલાંઓ ક્યારે અહીં પાડશો
ઢોલિયાએ બાઝેલાં શૂળ્યુંના ડંખ
રાહ જુએ છે, બારણું ઉઘાડશો
ભીનાં આ બે નેણ લજવાતાં એમ
કોઈ છોડે ન ઉંબર આ રીતે
એકલતા લીંપી છે ભીંતે
રોજ રોજ નિચોવી થાકી જવાયું
થઈ આંસુથી આંખો ન અળગી
બારીથી ડોકાતી સાંજ હજુ રાત લગ
રડતી રહે ફળિયાને વળગી
સૂનકારો કાયમનો ઘરમાં છે હમણાંથી
કેમ કરી દિવસો આ વીતે
એકલતા લીંપી છે ભીંતે