પ્રોષિતભર્તૃકાનું ગીત
દિવસો નહીં, મહિના નહીં, વીત્યાં છે વરસો આ ટોડલિયે ટહુક્યા ન મોર
મેં તો આંગણામાં રોપ્યા છે થોર
મધરાતે ઝબકીને જાગી જઉં છું
કોઈ ખખડાવે મનની આ ખડકી
બંધ આંખે માણું છું સોનેરી સ્પર્શ
અને જાગું તો હું જ મને અડકી
આંખો તો રાતભર વરસ્યા કરે છે
એવાં શમણાંઓ આવે કઠોર
મેં તો આંગણામાં રોપ્યા છે થોર
ભીંત, બારી, બારણું ને ફળિયુંયે પૂછે
ને પૂછે છે ખખડીને ડેલી
વિરહની વાત હવે આંખે વંચાય
વળી મનથીય જાય કોઈ ઉકેલી
ઘરની આ એકલતા એવી તે ભીંસે
કે ઘર મને લાગે છે ઘોર
મેં તો આંગણામાં રોપ્યા છે થોર