પીઠીભરી કન્યાનું ગીત
કાલ સુધી થપ્પો રમનાર મારા હાથ હવે દીવાલે પાડે છે થાપો કોઈ બચપણ તો પાછું લઈ આપો
વડલાની વડવાઈ, કાગળની હોડી
કે કોડીના કોડ થયા નોખા
પાંચીકા વીણવાના બાકી રહ્યા'તા
ને એટલામાં વિણાયા ચોખા પીપળની ડાળે હું ઝૂલી હું હમણાં
એ ડાળ તમે આમ નહીં કાપો કોઈ બચપણ તો પાછું લઈ આપો
પાદરની વાવ અને પાળિયા સહિત
બેઉ આંખોમાં યાદોનું ટોળું ઘરઘર આ રમવાની આશાએ આજ મને
પહેરાવી દીધું ઘરચોળું કિટ્ટા ને બુચ્ચા કરનારી આ આંગળીઓ ગણવાની હમણાં ઝુરાપો કોઈ બચપણ તો પાછું લઈ આપો