માતૃત્વના વરદાનનું ગીત
કોઈ પાંગરી રહ્યું છે મારી કૂખમાં
મારું જ લોહી છે એ મારો જ પિંડ છે.
એ મારા જ અંગનો છે ટુકડો મારું આખુંયે અસ્તિત્વ એનામાં નખશિખ
એ મારા જ રૂપે ટચૂકડો
થોડું સૂતું રહે છે થોડું જાગતું રહે છે મને દે છે એ સાદ કહી માં
કોઈ પાંગરી રહ્યું છે મારી કૂખમાં
ખોળો ખૂંદીને મને રોજે હસાવી
મારાં આંસુઓ અંદરથી લૂછે
દુનિયા છે કેવી? મને ફાવશે ને માં’ :
મારી ઓથ લઈ રોજ મને પૂછે
રાધા કે શ્યામ એનું રાખીશું નામ
જરા આવવા દો એને સંમુખમાં
કોઈ પાંગરી રહ્યું છે મારી કૂખમાં