"મા"ના અભાવનું ગીત
ખરબચડી કેડી પર દોડું ને પડતો ત્યાં
સંભળાતો સાદ મને, “ખમ્માં”
પણ જોઉં તો ક્યાંય નથી મા
પીપળની છાંય તળે ગટ્ટીઓ રમતો
ને રમતો હું ગિલ્લી ને દંડો
એવું ને એવું છે બાળપણ એ આજેય
પણ માથે ન હાથ એક ઠંડો
હાથોમાં હીબકાતા કોળિયાને જોઈ
કોઈ વ્હાલપથી કે' છે તું ખા
પણ જોઉં તો ક્યાંય નથી મા
ધોમધખ્યા તડકામાં ઘેરે જો જાઉં તો
છાયો થઈ જાય માનો પાલવ
આંખોમાં અશ્રુની એક બુંદ જોઈને
આખો ભીંજાય મા-નો પાલવ
મા-નો એ પાલવ આજ પાસે નથી
ને તોય લાગે છે પાસે છે મા
પણ જોઉં તો ક્યાંય નથી મા