લગ્નની આગલી રાતે મરી ગયેલ યુવતીનું ગીત
પાનેતર પહેરવાના ઓરતા અધૂરા
મારા અંગ ઉપર વસ્ત્રો છે શ્વેત
ભીંત ઉપર કંકુના થાપા હું પાડું
એ પહેલાં જ હાથ આખા ભૂંસાયા
આંગણને લીંપવાની હોંશ હતી મનમાં
પણ આંગણમાં ખાલી પડછાયા
મુઠ્ઠીમાં જકડીને રાખી છે કાયમ
મેં સળગતા સમયની રેત
મારા અંગ ઉપર વસ્ત્રો છે શ્વેત
મેંદી ભરેલ હાથ હવામાં ઓગળતા
કેમ કરી લખવાની ચિઠ્ઠી
કાયા તો ઠીક હજી આતમને ખટકે
કોઈ આવીને ઊતરાવો પીઠી
અધમાંડી ચોરીના ફેરા ફરવાને
છેટું છે જીવતર આ વેંત
મારા અંગ ઉપર વસ્ત્રો છે શ્વેત