કન્યાવિદાયનું ગીત
કાયમની હાથતાળી દઈ હવે જાય
મારી આંખોમાં ઊછરેલાં શમણાં
મેં તો દીકરી વળાવી છે હમણાં
પા પા પગલી થઈ ગઈ કંકુની ઢગલી
પણ આંખોમાં એની એ ઉંમર
દીકરીને ફળિયેથી વળાવવા જાઉં
ત્યાં હીબકે ચઢે આખો ઉંબર
આંખોની ફરતે એ વીંટળાતા હાથની
હકીકત હવે થાશે ભ્રમણા
મેં તો દીકરી વળાવી છે હમણાં
દરિયાના દરિયાઓ ઘૂઘવતા અંતરમાં
કેમ કરી આપશું વિદાય એક પળ અળગી ન થનારી દીકરીને
મનથી ક્યાં અળગી કરાય
એક પાંપણમાં દીકરી વિદાયનો હરખ
બીજી પાંપણમાં આંસુનાં ઝરણાં
મેં તો દીકરી વળાવી છે હમણાં