હિસાબી ગીત
વીતેલી એક એક પળનો હિસાબ
આજ માંગી રહ્યાં મારું મન ક્યાં મેં ખરચ્યું છે ક્ષણોનું ધન
શાહીને બદલે કોઈ લઈ આવો લોહી
મારે લાગણીઓ વાતવાતે લખવી
આંસુ તો આંખોના ખાતે લખાય
મારે યાદોને શા ખાતે લખવી
હૃદયની ભૂમિ ક્યાં લીલી હવે
એ તો લાગે છે વેરાન મન
ક્યાં મેં ખરચ્યું છે ક્ષણોનું ધન
જખમોને મારા જ ખાતે ઉધારી
મેં ઉપરથી વ્હોરી છે ખોટ
દરિયો હું દરિયો પણ છું અર્થ વગરનો
છે મારામાં કાયમની ઓટ
ખળભળતી જ્યારથી તું જુદી થઈ ગઈ
મારું રોજ રોજ થાતું પતન
ક્યાં મેં ખરચ્યું છે ક્ષણોનું ધન