*પ્રેમ જાણે કે વસંત પંચમી..*
*આલેખન : ભૂષિત શુક્લ.*
વેલેન્ટાઈન ડે હોય,રોઝ ડે હોય, ચોકલેટ ડે હોય કે હગ ડે હોય. તેની સાથે વસંત પંચમી ને યાદ કર્યા વગર કેમ રહી શકીએ !
આપણે રોજ ગુલમહોરને યાદ કરીએ છીએ. આપણે રોજ રંજનીગંધાના ફૂલને યાદ કરીએ છીએ.આપણે રોજ ગુલાબને યાદ કરીએ છીએ. વાતા પવનના એકાદ ઝોકામાં આ દરેક ફૂલોની સુવાસ આપણને બે ઘડી રોમાંચિત કરી જાય છે. જાણે લાગે કે, કોઈ પ્રેમની લહેર દોડી આવે અને જાણે મનને શાંત કરી ગઈ ન હોય ! અને આવો રોમાંચક અનુભવ તો રોજ થતો હોય. અંતરના આનંદને વ્યક્ત કરવાના શબ્દો ખૂટી જતાં હોય ત્યારે વસંત પંચમીને યાદ કરીને ઉંડાણમાં સરી ગયેલા પ્રેમને જગાડી શકીએ.
કવિ શ્રી દિલિપભાઈ જોષીની સુંદર પંક્તિ વસંત પંચમીના માહોલમાં યાદ આવ્યાં વગર રહેતી નથી,
*ઓચિંતા આંગણામાં ટહુકાની હાજરીથી આપણી વસંત ખીલી જાય છે.*
*ઓસરીથી આભ-આભ પમરેલી આંખોમાં અફવા ઉમંગ બની જાય છે.*




*દ્રશ્યો છે રંગો છે ઝાકળ છે ફૂલો છે ખોબો ભરે તો બધું તારૂં !*
*વરસે છે એનઘેન આઠે પ્રહર તને જો આવડે તો સારૂં !*






પંખીઓ આખુ વર્ષ ઝૂમી ન શક્યા હોય, પશુઓનું ટોળું આખુ વર્ષ કદાચ એક જગ્યાએ બેસી વાગોળ્યા કરતું હોય. પરંતુ, વસંત આવે એટલે પંખીઓ કલબલાટ કર્યા વગર કે પાંખો ફેલાયા વગર કેમ રહી શકે ! પશુઓ વનમાં આમથી તેમ દોડ્યા વગર કેમ રહી શકે ! પંચતત્વોથી બનેલા આકાશ,વાયુ,પૃથ્વી,પાણી અને અગ્નિ નાં પ્રત્યેક અંશોમાં અવલોકન કરીએ તો પ્રેમ નામનું તત્વ રહેલું છે. વસંત પંચમીનું આગમન થાય એટલે અલગ અલગ રીતે જડ થઈ ગયેલા અંશો સજીવન થાય. એટલે જ મારી કવિતા દ્રારા વસંત પંચમીને વધાવવાનું મન થાય,
*વસંત પંચમી એટલે બાગના ખીલી ઉઠેલા ફૂલોના પ્રત્યેક સુવાસમાં રહેલો પ્રેમ.*
*વસંત પંચમી એટલે ગુલમહોરમાં ખીલેલો ચાહતનો રંગ.*
*વસંત પંચમી એટલે પ્રેમનાં સપ્તરંગો વડે આકાશમાં છવાઈ જતું મેઘધનુષ.*
*વસંત પંચમી એટલે કોઈ પ્રેયસીએ કરેલી પ્રિતમ માટેની વાટ નો અંત.*
*અને વસંત પંચમી એટલે પ્રેમ સુધી પહોંચવાના બંધ રસ્તાઓને આપોઆપ ખુલી જવાના એંધાણ.*