યુવાન વિધવાનું હોળીના દિવસોનું ગીત
આજ અચાનક હાથે લાગ્યા વરસો પહેલાં
તે રંગેલાં પાનેતર ને ચોળી તું જ કહે ને એકલ હાથે કેમ રમું હું હોળી
રોમે રોમે હોળી સળગે હોળીના દિવસોમાં
મારા આ અડવાણા અંગે
હોળીના રંગોને મારે શું કરવાનું
હું રંગાણી એક સફેદી રંગે
વ્હાર ભલે ને કોરી લાગું પણ અંદરથી
ભીંજવતી રહે આંસુઓની ટોળી તું જ કહે ને એકલા હાથે કેમ રમું હું હોળી
લીલાછમ આ જીવતરમાંથી એ રીતે મેં
ઓછા થઈ ગ્યા પીઠી કેરા છાંટા
રંગબેરંગી છાંટ જરા જો અંગ ઉપર પડતી
તો લાગે વાગે મુજને કાંટા
આંખ અમસ્તી મીંચી દઉં તો એવું લાગે
તું પૂરે છે અંતર પર રંગોળી તું જ કહે ને એકલા હાથે કેમ રમું હું હોળી