Advertisement



સુવાસ (લઘુકથા) | SUVAS {LADHU KATHA }| Shailesh Kalariya |




 સુવાસ(લઘુકથા)

ઘણાનું નસીબ વાંકુંચૂકું અને નબળું હશે, પણ રૂપાને જાણે નસીબ જ ન હતું! બિચારી બીજીવાર પણ ઉલમાંથી ચૂલમાં પડી. પહેલીવારની જેમ અહીં કાળી મજૂરી કે મારઝૂડ ન હતી, પણ મરઘી સોનાને પાંજરે પૂરાઈ હતી. સાસરુ પૈસાદાર હતું પણ અહીં વગડાની વિશાળતા અને સ્વતંત્રતા ન હતી. ચાર દિવાલની વચ્ચે જ રહેવાના કારણે તેની પંચેન્દ્રિયો શિથિલ થઈ ગઇ હતી.
રોજ સાંજે દૂધવાળાના બાઈકનું હોર્ન વાગતું અને તે ફળિયામાં તપેલી લઈને દોડતી. આ ઘટના તેનામાં તાજગી પ્રસરાવી જતી. કોઈ પાડોશી કહેતા પણ ખરા,'એલી આ દૂધવાળો તો મોંઘો છે. હજી પણ તું એના પાસેથી દૂધ લે છે?' રૂપા કંઈ જવાબ ન વાળે એટલે પેલી મનમાં બબળતી ,'હું પણ છું ને! આને કહેવાનો શો અર્થ! તારું ક્યાં ઘરમાં ચાલે છે !'
ઘરના કહેવાતા એકાંતે રૂપાને જાણે યોગીની બનાવી દીધી હતી! ખપ પૂરતું જ બોલતી. આજની સાંજે તેને રડાવી. પાડોશીએ ઉદાસીનું કારણ પૂછ્યું અને મોંમાં આંગળા નાંખી બોલાવી ત્યારે તે એટલું જ બોલી,'આજે દૂધવાળો આવ્યો નથીને એટલે.'પાડોશી હસીને કહે,'એમાં શું? દુકાનેથી દૂધની કોથળી લઈ લેવાની.'
ધીમા સાદે રૂપાથી બોલી જવાયું,'કોથળીના દૂધમાં મારા પિયરની સુવાસ થોડી હોય!!!'
✍શૈલેષ કાલરિયા 'દોસ્ત', મોરબી