પીડામય ગીત
ગીત કોને જઈ સંભળાવું સહુની પીડા અલગ અલગ, હું સાથે ક્યાંથી લાવું
મારી પાસે મારાં દુઃખ ને તારી પાસે તારાં
તોય જુઓને બેઉ આંખનાં આંસુ લાગે ખારાં
ખોટેખોટા કેંક દિલાસા આપીને સમજાવું
ગીત કોને જઈ સંભળાવું
આમ જુઓ તો પીડા સહુની એકસરખી લાગે
કેવળ આ જ ફરક છે એ બસ વધતી-ઓછી વાગે
પીડાનાં આ ચક્કરમાંથી ક્યાંથી વ્હારે આવું
ગીત કોને જઈ સંભળાવું