ઈશ્વરના હોવાના હોવાનું ગીત
ઈશ્વરના હોવાની ભ્રમણા થઈ હમણાં
ને હમણાં મેં પેટાવ્યો દીવો
હે ભ્રમણાઓ અજવાળું પીવો
મંદિરની વ્હારે એક ટળવળતા બાળકની
વિચારે દિવસોની ભૂખ
સાલું ઈશ્વરને છપ્પનિયા ભોગ રોજ મળતા
આ ઈશ્વરને કેવું છે સુખ
ઈશ્વરનું હોવું હોય પથ્થરની મૂર્તિ
તો પથ્થરનું કામ ખાલી જીવો
હે ભ્રમણાઓ અજવાળું પીવો
ઈશ્વરના હોવાની વાત હશે અફવા
કે હોવાનો ઈશ્વર આ સાચે
ઈશ્વરનું એવું કે મનની લિપિઓ
એ મનમાં આવે તો કદી વાંચે
ઈશ્વરમાં માનો તો ચોરાના ઈશ્વરના
ફાટેલાં કપડાં સીવો
હે ભ્રમણાઓ અજવાળું પીવો