બાંકડો
ક્યારેક છાનાં આંસુથી સુના ખાલીપાનો સાક્ષી રહ્યો બાંકડો...
ક્યારેક પ્રથમ પરિચયથી આખરી સલામનો સાક્ષી રહ્યો બાંકડો...
ક્યારેક અનાથ બાળપણનો ઘડપણ સુધી સહારો બન્યો છે,
જીંદગી જેવો બરછટ થયો છે વર્ષો બાદ મુલાયમ બાંકડો...
ક્યારેક જોઇ રંગ જવાનીના શરમથી પાણી પાણી થયો છે,
મિલનથી પોરસાયો પ્રેમમાં તિરાડથી રાતભર રડ્યો બાંકડો...
કયારેક જાણી જીવનના ઘેરા આટાપાટા સંત જેમ વિચારે છે,
ખોડાયેલા પગ મળ્યા નહીંતર હિમાલય ચાલ્યો જાય બાંકડો...
કયારેક થાક ઉતારે શરીરનો ને કોઇ મનની નારાજી નીતારે છે,
અઢેલીને બેસો તો સાંત્વનભર્યા હેતથી પીઠ પસવારે બાંકડો...
કયારેક મોહક અદાની અસરમાં રંગીન મિજાજ એનો'ય થયો છે,
ફુલોથી લચીને ઝુલતી એક ડાળીનો આશિક બની બેઠો બાંકડો...
ક્યારેક ભુલાયેલી પ્રતિભાની યાદમાં જેની સ્મૃતિમાં બનાવ્યો છે,
વાગોળવા આવે કોઇ ભીની આંખે તો ભાવવિભોર થાય બાંકડો...
ક્યારેક એ વિચારે માણસ જનમથી હંમેશ ક્યાં કોઇનો રહ્યો છે,
અમારી તો એકલતા છુટે જો એકની સંગાથે હોય બીજો બાંકડો...
ક્યારેક હોય છાંયો કે તડકો અનુભવી આંખે પ્રતિક્ષા કરે છે,
ખીલતી જીવન સવારને ઠાવકી સંધ્યા થતી રોજ જુએ બાંકડો...
મનોજ શાહ