Advertisement



સ્ત્રીના મનોભાવની ગઝલ | દિવ્યા રાજેશ મોદી | shrina manobhavni gazal | divya rajesh modi | WORDS OF SAMARPAN




|| સ્ત્રીના મનોભાવની ગઝલ ||


એમ ના  બોલો, તમે ગમતા નથી,
માત્ર તમને ચાહું,એ ક્ષમતા નથી.

જીંદગીમાં આટલું હાર્યા  પછી,
જીતવા માટે કદી રમતા નથી.

ભીડમાં એકાંત વહાલું લાગતું,
બસ હવે તો કોઈની મમતા નથી.

એક ઝંઝાવાતમાં  તૂટી ગયા,
લાગણીના ઘર હવા ખમતા નથી.

આંસુમાં પણ એટલી તાકાત છે,
હા,નદી માફક એ ધમધમતા નથી.

જ્યારથી માણસને ઓળખતા થયા,
પથ્થરો ના દેવ ને નમતા નથી.

                              -દિવ્યા રાજેશ મોદી.