પૂનમની અજવાળી રાત, દરિયાનો કાંઠો, ને યાદોનો સાથ.
બંધનોની એને ક્યાં કોઈ આડખીલી છે !
કે ચાંદની આજ સોળે કળાએ ખીલી છે.
મોજાંઓ ઉછળીને એને ઝીલવા,
કરી રહ્યાં છે એક બીજા પર ઘાત.
પૂનમની અજવાળી રાત,
હૈયે ને હોઠે બસ તારી જ વાત.
આ ટીખળ તો નજર સામે જ થાય છે,
પણ ઉરના તોફાનો ક્યાં દેખાડી શકાય છે !
ચાંદ સામે જોઉં, ને લાગે તું જાણે, ફેલાવી રહી છે બે હાથ,
ભરી લેવા મને બાથ.
પૂનમની અજવાળી રાત,
હૈયે ને હોઠે બસ તારી જ વાત.
પવનની એક લહેરખી એ લટ તારી ઉડાડી,
જાણે ઓઢણી રાતી મેં તારે માથે ઓઢાડી,
તારા વિરહમાં ઝૂરતો હું રહેતો
દિવસ હોય, ચાહે રાત,
પૂનમની અજવાળી રાત,
હૈયે ને હોઠે બસ તારી જ વાત.
ભીડમાંય એકલતાનો મને થાય અહેસાસ,
ચાંદને બનાવી રથ, ચલ આવી જાઉં તારી પાસ.
પણ માને ક્યાં તાત અને માત,
ઊભો કર ને તું કેંક ઝંઝાવાત!
કે મળી જાય મને તારો સંગાથ.
પૂનમની અજવાળી રાત,
હૈયે ને હોઠે બસ તારી જ વાત.
-Parul Mitesh Shah (Falguni)