દુધવાળો
વહેલી પરોઢનાં પહેલાં આગમને,
ઠંડીથી ખદબદ,
એકાંતનાં ટોળામાં,
નાછૂટકે સાહસ થઈ રહ્યું છે !
હમણાં આ લાંબો રોડ ટૂંકાશે,
એ આશે, પગ હજુ જીવિત હોય ,
ને હાથ પણ આળાટાળી કરી,
સાયકલનાં સ્ટિયરિંગને ધૂણાવતો હોય !
ધુમ્મસ પાછી શત્રુતા નીભાવે,
ને સગો સૂરજ સંતાઈને બેઠ્યો હોય ,
ઝીણી વાયરી તોફાનની ગરજ સારતી,
એવામાં દાંત તતડે નહીં તો શું થાય ?
સોસાયટીનું નાકું ભાળી,
પગને આંખો ઉગી હોય એમ ઉભા રહે,
ઘરાકને ઘરે પહોંચવાનાં સૂખે,
ઠરેલાં હ્રદયને થોડી હૂંફ મળે !
પણ બારણું ખૂલે ઘરાકનું ત્યાં કજિયો સંભળાય,
ટાઢમાં બહાર નીકળવા હળાચળી થાય !
મને થયું હું વિવાદ કોની સાથે કરું?
ગરીબી, નસીબ કે ટાઢ સાથે ?
- વિશાલ દંતાણી