Advertisement



દલિતોનાં સવર્ણ 'દોસ્ત' | વિશાલ દંતાણી | dalito na savarna Dost | Vishal Dantani





દલિતોનાં સવર્ણ 'દોસ્ત'

કોઈ બ્રાહ્મણ એમ કહે કે " હું જન્મ્યો ભલે બ્રાહ્મણ તરીકે પણ મારી જીંદગી જો વંચિતો અને પછાતોને નડતર રૂપ બને કે હું એમને વર્ણ વ્યવસ્થાને આધારે દબાણમાં રાખી શોષણ કરું તો હું એવાં બ્રાહ્મણ તરીકે ન જીવી શકું". તેઓ આ વાત ડૉ. બાબાસાહેબના ધર્મપરિવર્તનને ટાંકીને કહે છે ત્યારે એમની ભીતર સતત દલિતો, વંચિતો અને પછાતો માટે હંમેશા કંઈક કરી છૂટવાની ભાવના હોય.

જી..હા..અમદાવાદના સભ્ય સમાજનાં એક કર્મશીલ, નીડર પત્રકાર, વેધક કવિ, કટાર લેખક અને એથી વિશેષ બહુ ઊંચા ગજાનાં વ્યક્તિત્વનાં ધની મનીષી જાની સાહેબની જ હું વાત કરી રહ્યો છું.

ઉના આંદોલન વખતે વીટીવીને આપેલાં ઈન્ટરવ્યુમાં જાની સાહેબને જ્યારે એ ચેનલ 'દલિતોનાં સવર્ણ દોસ્ત' તરીકે બિરદાવે તો એમનાં પ્રત્યે વધું માન જાગે. ખરેખર એમને જાણનારાં અને એમનાં સાહિત્યને માણનારાં લોકોનો બહુ મોટો વર્ગ છે.

જ્યારે દલિતોને પોતાની સંવેદનાઓ રજૂ કરવી એ પણ અપરાધ ગણાતો ત્યારે આ નીડર પત્રકાર બીડું ઝડપે છે. અને 1981 માં ગુજરાતમાં સૌપ્રથમવાર 'દલિત કવિતા' નું સંકલન કરીને પુસ્તક પ્રકાશિત કરે છે. એ વખતે થયેલો 'જેતલપુર હત્યાકાંડ' એમનાં દિલોદિમાગ પર હાવી હતો. અને એમનું ભીતર એમને દલિતોનો અવાજ બનવાનું સૂચવતું હતું. 'આક્રોશ' મેગેઝીનમાં દલિત રચના છાપી તો એવું બન્યું જેની એમને કદાચ ખાતરી પણ હોય. એ વખતની તત્કાલીન કોંગ્રેસ સરકારે એમનાં પર રાજદ્રોહનો કેસ દાખલ કર્યો.

સરકારનાં આ વલણે એમનામાં વધુ જોમ પૂર્યું અને તેઓએ વધુ તાકાતથી દલિતો માટે કાર્ય કરવાનું ચાલુ રાખ્યું. પોતાનો બ્રાહ્મણ સમાજ પણ એમને વંચિતોને પડખે અને અસ્પૃશ્યોને પડખે ઉભા રહેવાં માટે કોસતો રહ્યો. પણ એમની ભીતર તો માનવ સમાજને ઉજાગર કરવાનું બહુ મોટું વંટોળ ભમી રહ્યું હતું જે આજે પણ અકબંધ છે. અને સતત માનવતાને ચરિતાર્થ કરવાં આજે પણ એટલાં તત્પર છે.

જુદાં જુદાં મેગેઝીન અને ન્યુઝ પેપરમાં આવતાં એમનાં લેખો અને કવિતાઓ સામાન્ય જનમાનસની વેદનાઓને વાચા આપે છે. નિરીક્ષક એમાં મોખરે હોય. તેઓ એક પ્રખર વક્તા છે. એમને ડિબેટમાં સાંભળો તો એમનાં મૂળત્વને જરૂર પામો. શ્રોતાને તેઓ જકડી રાખે છે.

સોશિયલ મીડિયા પર પણ એમને ટ્રોલ કરવાં આવનારને તેઓ શિષ્ટ ભાષામાં સમજાવીને પ્રેમ પૂરો પાડે છે. આમેય તેઓ નફરતનાં કટ્ટર વિરોધી છે. તેઓ વર્ણવ્યવસ્થાને સમાજનું બહુ મોટું કલંક માને છે. તેઓનું માનવું છે કે રાજકારણીઓ દલિતોને માત્ર 'મત' પૂરતી સીમિત માને છે. અને એ નરી વાસ્તવિકતા પણ છે.

આજે એમનાં જન્મદિવસે એમનાં બહેતર સ્વાસ્થ્યની અને તેઓ આમ જ સતત વંચિતોનો અવાજ બનીને ન કેવળ એમને મદદ કરતાં રહે પણ સવર્ણ સમાજના અન્ય લોકોને દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે એમ પાડતાં રહે.

- વિશાલ દંતાણી