" બેઠીં છું "
જગત આખું હવે હારીને બેઠી છું
તું મારો છે હું એ માનીને બેઠી છું
હવે એકાંત પણ વ્હાલું મને લાગે
છબી છાતી એ વળગાડીને બેઠી છું
ઉખાડી દીધી છે મેં વેદનાની વેલ
હું દિલમાં પ્રેમ ફણગાવીને બેઠી છું
તું આવે કે ના આવે શું ફરક પડશે?
હું ઇશ્વર જેમ આરાધીને બેઠી છું
તે પગથી લઇને માથા લગ ચૂમી લીધી
હું તારા સ્પર્શને માણીને બેઠી છું
ગઝલ તારી અને મીજાજ મારો હોય
હું તારા શબ્દમાં જામીને બેઠી છું
વિચારોમાં હું તારા લથડીયા ખાંઉ
હું તારી ઉર્મિનો મય પીને બેઠીં છું
નદીની જેમ સીધી હું ભળી તુજમાં
બધી માયાઓ હું ત્યાગીને બેઠીં છું
અહમ તારો તું ત્યાગીને મને અપનાવ
હું નખરા મારા સંતાડીને બેઠી છું
લટૉથી લઇને પાલવ ના રહે સખણા
હું તારી રાહમાં વંઠીને બેઠીં છું
મહોતરમાં હવે તારી જ રહેવાની
હ્રદયમા શ્યામ સમ સ્થાપીને બેઠીં છું
– નરેશ કે. ડોડીયા