ખળ ખળ વહેતી તાપી નદીના કિનારે વસેલા સુરત નગરે નવવધુ જેવા વાઘા સજ્યા હતા.એનું સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું હતું. શેઠ ધનવંતરાય અને શેઠાણી લક્ષ્મીદેવીના લગ્ન જીવનની સાંઈઠ વર્ષની સાલગીરા ઉજવાઈ રહી હતી.શેઠ અને શેઠાણીની લોકપ્રિયતા ચરમને સ્પર્શી હતી. તેથી સૌ હિલોળે ચડ્યા હતા.નગરથી દૂર વિશાળ ઉદ્યાનમાં,ઘેઘુર આમ્રવૃક્ષોની શાખે, ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.રાસાયણિક ઉદ્યોગ જગતના મહારાજા ધનવંતયના વેપાર વણજ દૂર સુદૂર વિદેશમાં પણ પથરાયા હતા.તેથી ભવ્ય ,આલીશાન ચાર્ટર પ્લેનમાં પ્રવાસ કરીને અત્રે આવેલા એ ધનકુબેરોની આતિથ્ય સેવામાં રતીભર પણ ચુક નહિ થાય તેવી કાળજી રાખવામાં આવી હતી.તો પ્રથમ હરોળના ,લાખોમાં વળતર મેળવતા અધિકારીઓથી પ્રારંભીને ચોથી હરોળ સુધીના સામાન્ય કારીગરને પણ આ ઉત્સવનો આનંદ માણવા ભાવભીના હરખના તેડા પાઠવવામાં આવ્યા હતા.સુરત નગરની શોભા સમાન અનેક ધનકુબેરો,નેતા,અભિનેતા પણ પ્રસંગને ગગનચુંબી ઊંચાઈ આપી રહ્યા હતા.સર્વેને એમજ અનુભૂતિ થતી હતી કે આજે આપણા પોતાનાજ દિકરા ,દિકરી ના જાણે લગ્ન છે. ઉદાર હૃદયના શેઠ અને શેઠાણી નું ઋણ અદા કરવાનું છે. ચોમેર ઉડતા રંગબેરંગી પાણીના ફુવારા,ઝળહળતી રોશની,મંદ મંદ સ્વરે વહેતુ સંગીત વાતાવરણને આલ્હાદક બનાવી રહ્યા હતા.બસ,સૌ આતુર નયને પોતાના વ્હાલા શેઠ અને શેઠાણીની પ્રતીક્ષા કરી રહ્યા હતા.
સાવ સમયસર આ સરસ દંપતીના પ્રવેશની છડી પોકારવામાં આવી. સૌએ સ્વસ્થાને ઉભા થઈ તાળીના પ્રચંડ નાદ સાથે શેઠ અને શેઠાણીનું અભિવાદન કર્યું.શેઠ ધનવંતરાયે જાજરમાન, રજવાડી દુલ્હાનો વેશ પરિધાન કર્યો હતો.પંચયાસી વર્ષની વયે પણ યુવાનને શરમાવે એવો ઠાઠ હતો. સુવર્ણજડિત હાથાથી સુશોભીત છડી ટેકા માટે રાખી હતી.તો શેઠાણી પણ બ્યાસી વર્ષે દુલહન બન્યા હતા.હિરા અને સુવર્ણના મોંઘા અલંકારથી અત્યન્ત મોહક લાગતા હતા.સૌથી વધુ આકર્ષક એમને નાસિકાની જડ હતી.મુખ પર રમતું સ્મિત બધાને વ્હાલું લાગ્યું.ખામી હતી તો માત્ર એક.વર્ષો પૂર્વે થયેલી લક્વાની બિમારીએ શેઠાણીને વ્હીલ ચેરની પરવશતા આપી દીધી હતી.એક ડગલું પણ ચાલી નહિ શકે.સર્વેને આ ખૂંચી રહ્યું હતું.પણ શેઠ અને શેઠાણી ઉભય તો જાણે કોઈ સમસ્યા જ નથી એવા સરસ વિચારમાં રાચી રહ્યા હતા.શેઠે એક હાથમાં છડી ઝાલી હતી તો બીજા હાથથી સ્વયં શેઠાણીની વ્હીલ ચેરને સાવ સહજપણે, ચલાવી રહ્યા હતા જેનું તેમને ગૌરવ હતું.વિસ્ફારિત નયને ,સર્વે આ સુંદર દ્રશ્યને નિહાળી રહ્યા હતા.રજવાડી ખુરશી પર સ્થાન લેતા પૂર્વે શેઠે શેઠાણીની વ્હીલચેર અડોઅડ ગોઠવી.અને સરસ મઝાના સ્મિત સાથે પોતાનું સ્થાન લીધું.લગ્ન દિવસની ઝાંખી જાણે જોઈ રહ્યા હોય તેમ ઉપસ્થિત સર્વેએ અભિનંદનની વર્ષા વ્હાવી.મોંઘી ભેટ સોગાદ નો પર્વત ખડકાઈ ગયો. અને ત્યાંજ મીઠા,મધુરા અવાજ સાથે,મંચ પર ચુલબુલી માનસીએ પ્રવેશ કર્યો.માનસી પત્રકારીત્વનો અભ્યાસ કરી રહી હતી.મંચનું સરસ સંચાલન કરવાનુ તો એ ગલથુથીથી શીખી હતી.શબ્દોના સૌંદર્ય સાથે એને શેઠ અને શેઠાણીને અભિનંદન આપ્યા,અને પછી પ્રારંભ થઈ પ્રશ્નમાળા... ભૂતકાળ પરથી રહસ્યની રજકણ ઉડવાની એ ક્ષણ આવી રહી હતી.
માનસીએ કહ્યું,
" દાદા,વર્તમાન સમયે આદર્શ કહી શકાય એવું આપનું સજોડું જોઈને મને પણ ઈર્ષ્યા આવે છે. આધુનિકતા મારી રગેરગમાં છવાયેલી છે. વિચારની સ્વતંત્રતામાં હું માનું છું. સાથે સ્પષ્ટ વક્તા પણ છું.સરેરાસથી સાવ ભીન્ન જોઉં છું, અનુભવું છું ત્યારે ભીતરનો પત્રકાર જાગી જાય છે. માત્ર હું નહિ, અહીં ઉપસ્થિત સર્વેને જાણવું છે કે,આપણા પ્રસન્ન,મધુર દાંપત્ય જીવનનું રહસ્ય શુ છે? શારીરિક વિસંવાદિતાને સાવ કોરાણે મૂકી આપ ઉભય હસતા જ રહો છો,કોઈ ફરિયાદ નહિ, એક બીજાના માત્ર પૂરક નથી બન્યા,એકબીજામાં ઓગળી ગયા છો, કેવી રીતે આવી નિર્ભેળ પ્રસન્નતા અને પરમ સંતોષ આપ ને પ્રાપ્ત થયા? આજે જાણવા દો, આ રહસ્યનું ઉદઘાટન ક્યાંક કોઈકના ભાંગતા લગ્ન જીવનને સાંધી શકશે."
શેઠના પ્રત્યુત્તર પૂર્વે જ સૌએ માનસીના પ્રશ્નને વધાવી લીધો.આતુર નયને બધા જ શેઠને જોઈ રહ્યા. અને ક્ષણભર થંભીને શેઠે અતીતની યાત્રાનો આરંભ કર્યો.
માનસી દિકરા, તારા આ પ્રશ્ને મને યુવાન ધનવંત બનાવી દીધો.હું મારા માત પિતાનું એક માત્ર સંતાન.અત્યંત લાડકોડ અને વૈભવમાં ઉછર્યો હતો. હું તે સમયનો હિરો મનાતો. અભિમાન નથી કરતો,પણ અનેક શ્રેષ્ઠીઓ પોતાની રૂપગરવિતા કન્યાઓ માટે મારા પિતાજી પાસે આવતા.પણ ખબર નહિ,હું સાવ નમ્રતાથી ના કહેતો.એક દિવસ મારી લક્ષ્મીના પિતાજી મારા ઘરે આવ્યા.તેઓ પણ સમાન ધનકુબેર હતા.હા! ધનનું હોવું એ મારે માટે પસંદગીનું કારણ નહિ હતું.પણ ખબર નહિ,મારા થનારા શ્વસુરની વાતમાં જે આત્મ વિશ્વાસ છલકાતો હતો તથા લક્ષ્મી વિશે જે પ્રસ્તુતિ કરી,તે સાંભળીને તેમના ગયા પછી મારા પિતાજીએ મને કહ્યું,
' જો ધનવંત,કોઈક અગમ નિગમનો સંકેત મને થઈ રહ્યો છે. તને લક્ષ્મી જેવું શ્રેષ્ઠ પાત્ર મળી રહ્યું હોય તો હવે શેની વાટ જોવી? હા! હું અવશ્ય માનું છું કે એક વખત તમે બે અવશ્ય મળો,ખુલ્લા મનથી વાત કરો,અને યોગ્ય લાગે તો પછી વધુ વિચારો.'
તે સમયે આવી વિચારસરણી હોવી એજ ખુલ્લા મનની નિશાની કહેવાય.લગ્ન પૂર્વે યુવાન અને યુવતી આ પ્રમાણે મળે એને મારા અને લક્ષ્મીના પિતાજી સ્વીકારી શક્યા, કારણ અમે વિશ્વાસપાત્ર હતા.દિકરાઓ આજની પેઢીના યુવા મિત્રોએ આવા વિશ્વાસપાત્ર બનવું બહુજ આવશ્યક છે.હું પિતાજીને ના નહિ કહી શક્યો.અને મૌન રહીને મેં સંમતિ આપી.બધુજ ગોઠવાઈ ગયું. મને એ તારીખ અને સ્થળ આજે પણ બરાબર યાદ છે.સને ૧૯૫૯ ના જુન માસની ૧૫ મી તારીખે સંધ્યાના ૦૭.૦૦.ક.,આ ઉદ્યાનથી સાવ નજીક ઉમરા તળાવ ની પાળ પાસે હું અને લક્ષ્મી સૌ પ્રથમ મળ્યા.હું તે સમયે સુરતની પ્રખ્યાત પી.ટી.સાયન્સ કોલેજના એમ.એસસી..ની પરીક્ષામાં , યુનિવર્સિટીમાં ( મુંબઈ યુનિવર્સિટી) પ્રથમ ક્રમે પાસ થયો હતો.લક્ષ્મી એમ.ટી.બી.કોલેજની આર્ટસ શાખાની અંગ્રેજી વિષય સાથેની સ્નાતક થઈ હતી. લક્ષ્મી ત્યાં આવી.હું એને જોતો જ રહ્યો.જેવી સુંદરીના સપના હું જોતો હતો તેવી જ મને તે લાગી.ભીતર એવું કોઈક સંગીત વહેવા માંડ્યું જેના મદમાં હું બધુજ ભૂલી ગયો.પછીની અમારી વાત માત્ર ફોરમાલિટી હતી.મનથી અમે બંનેએ એક બીજાને પસંદ કરી લીધા હતા.માત્ર વડીલોની સંમતિ બાકી હતી.અમે બન્ને આ વિવેકને બહુ સન્માન આપતા હતા. જે પસંદગી પર વડીલોના સહી સિક્કા થાય છે ત્યાં નિષ્ફળતાની શકયતા બહુ ઓછી હોય છે."
શેઠ ઘડીક અટક્યા.લક્ષ્મીદેવીની સામે જોઈ સ્મિતની આપ લે કરી અને પુનઃ આગળ વધ્યા,
" વડીલો અમારી સંમતિથી ઝૂમી ઉઠ્યા.અને તે સમય અને મોભ્ભાને અનુરૂપ અમારા લગ્ન સને ૧૯૬૦ ના ૨૫ ફેબ્રુઆરીના દિવસે થયા.મારે આંગણે લક્ષ્મીના પગલાં થયા અને ચોમેર આનંદ છવાયો.મારા માત પિતાએ નિરાંતનો શ્વાસ લીધો.બહુ પ્રેમ અને સમજદારીથી લક્ષ્મીએ ઘરની પ્રત્યેક જવાબદારી સંભાળી લીધી.તેના સ્વભાવ,ઉદારતા અને કૌશલ્યથી તે સૌને પ્રિય બની ગઈ.યોગનુંયોગ પણ કેવો સર્જાયો !લક્ષ્મીના આગમન પછી ધન,યશ,નામના સર્વે વૃદ્ધિ પામ્યા.અને લગ્નના બે વર્ષ પછી મારા પુત્ર માનસ નો જન્મ થયો.માનસ ના જન્મ પૂર્વે અમારી વચ્ચે મીઠો સંવાદ થયો હતો.મારે દિકરો જોઈતો હતો અને તેને દિકરી. ભેદ નહિ હતો ,માત્ર એવી લાગણી હતી.બધું જ સરસ ,સમુસુતરું ચાલતું હતું.પણ કુદરતને એ સ્વીકાર્ય નહિ હતું. અચાનક .....એક તોફાન આવ્યું.અમારા જીવનમાં આભ તૂટી પડ્યું."
શેઠ ઘડીક થંભ્યા. ગળે ડૂમો બાઝતા પાણીના બે ઘૂંટ પીધા.શેઠાણીએ આંખના ઈશારે આશ્વાસન આપ્યું.ચોમેર સ્તબ્ધતા છવાઈ હતી.અને સ્વસ્થ થતા શેઠ બોલ્યા,
માનસી દિકરા, સને ૧૯૬૫ના જાન્યુઆરી માસની ૨૫ તારીખ ઉલ્કાપાત લઈને આવી.હું મારી ઓફિસે હતો. મારા પિતા અને માતા પોતાના રૂમમાં હતા.અને અચાનક લક્ષ્મીની તીક્ષ્ણ ચીસ સંભળાઈ. બધાજ દોડી આવ્યા.અને જોયું તો લક્ષ્મી ફર્શ પર ઉંધે મસ્તકે પટકાઈ હતી.લોહીની નદી વહી રહી હતી.કોઈને કશુંજ સમજાતું નહિ હતું.મને તાત્કાલિક તેંડુ આવ્યું.હું કલ્પના નહિ કરી શકો એટલી તીવ્રતાથી, મારી ગાડીમાં ઘરે આવ્યો.ગંભીરતા પારખીને તેને નજીકની હોસ્પિટલ લઈ ગયા.સારવાર આપવામાં કોઈ કસર નહિ થઈ.ત્રણ દિવસ પછી લક્ષ્મી શુદ્ધિમાં આવી.તે હવે ભયમુક્ત થઈ હતી.પણ એક મોટી ખોડ આવી ગઈ.તેનું જમણું અંગ લકવાગ્રસ્ત થઈ ગયું હતું. જાણ થઈ ત્યારે આઘાતથી હું પાગલ જેવો થઈ ગયો હતો.પ્રભુને પ્રશ્ન થઈ ગયો,
' મારી લક્ષ્મીએ શુ ખોટું કર્યું કે તેને આવું સહન કરવાનું આવ્યું '?
શેઠની આંખ અશ્રુભીની થઈ ગઈ.રૂમાલથી આંખ લૂછી સ્વસ્થ થયા.મેં ડોક્ટરને પૂછ્યું,
" સાહેબ,કોઈ દવા ,ઉપચાર નથી? ખર્ચની ચિંતા નહિ કરો,બસ મારી લક્ષ્મીને સાજી કરો"
ડોક્ટરે કહ્યું,
" સમય અને કસરત જ આનો ઈલાજ છે. ધૈર્ય રાખો,હું કહું તે પ્રમાણે કરો.જો પ્રભુ ની મરજી હશે તો સૌ સારા વાના થશે"
અને વળતી ક્ષણથી હું મારી લક્ષ્મીની સેવામાં લાગી ગયો.અનેક પરિચારિકા હું રાખી શક્યો હોત.પણ નહિ, હું સ્વયં તે બની ગયો બીજું બધુ જ મેં ગૌણ કર્યું.મારા પ્રભુ, માતા,દેવી જે ગણો તે હવે તેજ હતી.તેની સેવા એ મારી પૂજા હતી.તેના મુખમાં જાતેજ કોળિયો મૂકવો એ મારો અન્નકૂટ મહોત્સવ હતો.કસરત અને કાળજીથી તે હવે ઘણી સ્વસ્થ થઈ .પણ હવે તે કોઈ સંતાનને જન્મ નહિ આપી શકે એ વાસ્તવિકતા મારે સ્વીકારવી પડી. માત્ર એટલુંજ નહિ, સાંસારિક સુખ પણ તે આપી નહિ શકે એવું મેં જાણ્યું.થોડોક સમય અસ્વસ્થ રહ્યા પછી હું સ્વસ્થ થયો અને તેના મસ્તકે મારો હાથ પસાર્યો.તેની આંખ માં આવેલ આંસુને મેં લૂછયા અને કહ્યું.
" તું મારી સામેજ છે એજ પ્રભુના આશિર્વાદ છે. મારે બીજું કશુંજ નથી જોઈતું".
એમ દિવસો પસાર થવા માંડ્યા.અને એક દિવસ તેને મને આંખના ઈશારે તેની પાસે બેસવા કહ્યું.મેં તેનો હાથ મારા હાથમાં લીધો અને પૂછ્યું , " શુ કહે છે?"
દિવસો પછી એનો અવાજ સાંભળવા મળ્યો.પણ સાવ અસ્પષ્ટ. પરાણે મને ખ્યાલ આવ્યો, તે કહે છે, "તમારી સ્થિતિ હું જોઈ શક્તિ નથી.આખી જિંદગી હું બોજ બનીને રહું? ના એમ નહિ રહી શકું.હું મનની પૂરી સ્વસ્થતાથી કહું છું કે મને કાયદેસર ફારગતી આપો. અને પુનઃ યોગ્ય પાત્ર સાથે સંસાર માંડો. તમારો સુખી સંસાર જોઈને હું રાજી થઈશ.માનસ સાથે મને કોઈક અશક્ત આશ્રમમાં મૂકો. ક્યાંય તમને અવરોધરૂપ નથી બનું."
મારા સમગ્ર દેહમાં કંપારી પ્રસરી ગઈ.મારો હાથ તેના હોઠ પર મૂકી દીધો.અને સાવ સહજ પણ મક્કમ નિર્ધારથી કહ્યું, " બસ...આવું અશુભ હવે ક્યારે પણ નહિ કહે એવું મને વચન આપ.મને હસતો અને પ્રસન્ન જ જોવો હોય તો આપણા આ સંબંધને જોઈ અન્યને પણ કોઈક દિવ્ય અમર પ્રેમની સુગંધ માણવા મળે એવું આપણે જીવન માણીશું.પ્રેમ એ જ સાર તત્વ છે. જગતમાંથી જ્યારે એનો છેદ થશે ત્યારે ધરતી રસાતાલ જશે.હું કે તું એના કારણ નહિ બની શકીએ."
" માનસ ના ઉછેર માટે મારા માત પિતાએ દિવસ અને રાત એક કર્યા.તે પણ સુશીલ કન્યા પામ્યો અને મારા વિશાલ ઔદ્યોગિક સામ્રાજ્ય નું સરસ સંચાલન કરવા લાગ્યો. મારા જીવનનું મહત્વ લક્ષ્મીની સેવા અને હૃદયના ઉંડાણથી કરાતા પ્રેમમાં છલકાઈ ગયું. કોઈ જ ફરિયાદ નથી.હું અને લક્ષ્મી,ગંગા અને યમુનાના પાવન નીરની જેમ એકબીજામાં ભળી ગયા છે. એને કોઈ અલગ નહિ કરી શકશે."
ચોમેર સ્તબ્ધતા છવાઈ ગઈ.દિવ્ય પ્રેમ માત્ર કથામાં જ હોય છે એવું સમજનારા સૌને સ્વર્ગીય સૌંદર્યના દર્શન થયા.અશ્રુ વહેતા હતા પણ તે આનંદના હતા.
શેઠ અટક્યા...શેઠાણી લક્ષ્મીદેવી ના હાથને પોતાના હાથમાં લઈને જાણે પુનઃ હસ્ત મેળાપ કરવા લાગ્યા.તો શેઠાણી પણ એ યુવા લક્ષ્મી બની ગયા. આંખના નર્તનથી શેઠને સંકેત આપે છે .મુખ પરની અસીમ પ્રસન્નતા તથા ગાલ પર ઉઠેલા રતુમડાં શેરડા સાથે અસ્પષ્ટ ભાષામાં શેઠને પૂછે છે,
" ધનું,કોઈ ઉપહાર નહિ આપશો? "
શેઠે કહ્યું, " સારું જીવન તારો બનીને રહ્યો છું. અને માત્ર આ જન્મ નહિ, ભવોભવ માત્ર તારો અને તારો જ બનીને રહીશ..તું રહેશેને મારી જ?"
શેઠાણીએ પોતાનું પર્સ ખોલવા શેઠને ઈશારો કર્યો.અખંડ સૌભાગ્યવતી ના કંગન અને સેથી ભરવાના સિંદૂર તેમાં હતા.શેઠ સમજી ગયા.લગ્નના દિવસે જે પ્રસન્નતાથી સેથી ભરી હતી તેનાથી વિશેષ ઉમળકા સાથે લક્ષ્મીદેવી ની સેથી ભરી.શેઠાણી એ શેઠના ચરણ સ્પર્શ કરવા કોશિશ કરી,પણ અંગની અકડાઈ સાથ આપતી નહિ હતી તેથી શેઠે તેમને અટકાવી પોતાના હૃદયના સ્થાને તેમનું મુખ સ્થાપી અગ્રમસ્તક પર પ્રેમથી તરબતર ચુંબન કર્યું.ઉભય કોઈક અલૌકિક જગતમાં ખોવાઈ ગયા.જ્યાં તેમના બે સિવાય કોઈ નહિ હતું..સમગ્ર પરિસર કોઈક અજબની લાગણી અનુભવી રહ્યું હતું.મંચ પર સાક્ષાત પ્રભુ રામ અને સીતા,કૃષ્ણ અને રાધા કે શંકર અને પાર્વતી હોય એવું લાગ્યું.ત્યાંજ માનસીનો મીઠો અવાજ સંભળાયો.
" દાદા અને દાદી,પ્રેમની બારાખડીનો ..ક..હું નથી જાણતી.પણ આ મંચ પર તો શાકુંતલ,ગીત ગોવિંદ,જેવા ગ્રંથના ખડકલા આપે ખડકી દીધા.સાચો અને દિવ્ય પ્રેમ કેવો હોય એ આજે જાણ્યું,"
અને સાવ સહજ પણે સર્વેએ તાળીના પ્રચંડ સાથે શેઠ અને શેઠાણીને વધાવ્યા.પ્રેમના મહાસાગરમાં સ્નાન કરતા,અજબ ગજબની અનુભૂતિ સાથે ઉજવણી પૂર્ણ થઈ પણ પ્રેમના અફાટ સાગરનો અંત ક્યાંય નહિ આવ્યો.તે શાશ્વત સ્વરૂપે બસ ઘૂઘવતો જ રહ્યો અને ઘૂઘવતો જ રહેશે.
......( લે.નરેશ એ.મદ્રાસી ).....