ક્યાં જરૂર છે
દિવાલોની તિરાડ પણ કાફી છે,
પીપળાને નરમ માટી ની ક્યાં જરૂર છે.
મૌન જ સૌથી મૂલ્યવાન છે,
બોલીને ગૌણ થવાની ક્યાં જરૂર છે.
પોતાના જીવનને ભરપૂર રંગોથી રંગી દઈએ,
દુનિયાના રંગોને જોવાની ક્યાં જરૂર છે.
અંદર તો કાયમ ધૂણો ધખધખે છે,
આંખોને સતત વરસવાની ક્યાં જરૂર છે,
માનવી જ માનવી સુધી પહોંચતો નથી,
ચંદ્ર સુધી પહોંચવાની ક્યાં જરૂર છે.
જે જગાડે તેને જ જીવનમાં માર છે,
કુકડા ઓને વધેરાઈ જવાની ક્યાં જરૂર છે.
સબંધ હોય કે શ્વાસ હોય તેને,
કાયમી આધાર ની ક્યાં જરૂર છે.
જિંદગીએ હાથ ઊંચા કરી દીધા પછી,
મોતને મારણની ક્યાં જરૂર છે.
ઉર્વશી એચ ત્રિવેદી