એક દંપતિ હતું.
પતિ-પત્નિ બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતાં હતાં.
અને એકબીજાની સારસંભાળ પણ રાખતાં.
તેઓની આથિઁક સ્થિતિ નબળી હતી.
એક દિવસ પત્નીએ પતિને કહ્યું, "ભગવાને મને કેટલા સુંદર લાંબા વાળ આપ્યા છે પણ આ વાળમાં નાખવા માટે એક પણ સારી હેરપીન ઘરમાં નથી.
મને એક સારી હેરપીન તો લાવી આપોને.
પતિએ પત્નીની વાત સાંભળી અને પછી કહ્યુ, "અરે ગાંડી, તને હેરપીનની પડી છે? મારી ઘડિયાળ નો બેલ્ટ કેટલા દિવસથી ટૂટી ગયો છે. નવો બેલ્ટ લેવાના પૈસા નથી. તો તારી હેરપીન કઈ રીતે લાવુ ??
પતિ સાંજે પોતાનુ કામ પૂરું કરીને ઘર તરફ આવી રહયો હતો, ત્યારે રસ્તામાં ઘડિયાળ વાળા ની દુકાન આવી.
એટલે ત્યાં જઈને પોતાની બેલ્ટ વગરની ઘડિયાળ વેચી નાખી અને મળેલી રકમમાંથી કટલેરીની દુકાન પરથી પત્ની માટે સુંદર હેરપીન લીધી.
ઘરે આવીને બારણું ખખડાવ્યું.
પત્નીએ બારણું ખોલ્યું અને પતિ તેની પત્નીને થોડી વાર સુધી સૂનમૂન બનીને જોઇ જ રહ્યો.
પત્ની એ પૂછ્યું , "આમ શું ભુતની જેમ ડોળા ફાડીને જોઈ રહ્યા છો??
પતિ એટલું જ બોલી શક્યો, "તારા લાંબા વાળ કયાં ગયા ??" પત્નીએ જવાબ આપતા કહ્યું , "મેં મારા વાળ કપાવીને વેચી નાખ્યા. બદલામાં મળેલી રકમમાંથી તમારી માટે આ નવી ઘડિયાળ લાવી છું.
પત્નીએ પતિના હાથમાં ઘડિયાળ મૂકી અને ત્યારે પતિએ પત્નીને બધી વાત કરી.
અરે ગાંડી,તારા માટે હું આ સુંદર હેરપીન લાવ્યો છું.
બંને એકબીજાને પ્રેમથી ભેટી પડ્યા. સંબંધોને જાળવવા અને વિકસાવવા માટે સામેવાળી વ્યક્તિ મારા માટે શું કરે છે એ નહીં પરંતુ હું સામેવાળી વ્યક્તિ માટે શું કરી શકું એ વિચારજો.
પ્રેમ એટલે પ્રાપ્તિ નહીં પ્રેમ એટલે સમર્પણ.